બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં શુક્રવારે મોડી સાંજથી શનિવાર સાંજ સુધી ઠેરઠેર તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા.જેમાં શુક્રવારે રાત્રે ડીસામાં ૭ મિમિ, જ્યારે દાંતા અને ધાનેરામાં ૩ મિમિ, જ્યારે થરાદ અને દાંતીવાડામાં ૧ મિમિ સહિત અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ પડ્યો હતો.જ્યારે બીજા દિવસે શનિવારે થરાદમાં ૧ મિમિ જ્યારે વાવ, ભીલડીમાં સહિત અન્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.ખેડૂતોના પાકની નુકસાનની ભીતિને લઇ ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી.શુક્રવારે મોડી રાત્રે ડીસા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. આમ કુલ ૭ મિમિ વરસાદ નોંધાયો હતો. હાલમાં ખેડૂતો મગફળી સહિતનો તૈયાર થયેલો પાક લઇ રહ્યાં છે ત્યારે વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી જવા પામી છે. જ્યારે ડીસામાં વરસાદી ઝાપટાંના કારણે માર્કેટયાર્ડમાં બહાર પડેલો માલ સામાન્ય પલળ્યો હતો પરંતુ કાઇ ખાસ નુકસાન થયું ન હતું. જ્યારે ધાનેરામાં પણ વહેલી પરોઢીયે વરસાદી ઝાપટું પડ્યું હતું. દાંતામાં પણ ૩ મિમિ વરસાદ થતાં પાકમાં નુકસાનની ભીતિ ખેડૂતોમાં સેવાઇ રહી છે. થરાદ પંથકમાં શનિવારે વહેલા પરોઢિયે વરસાદી છાંટાની શરૂઆત થતાં બપોર બાદ ભારે પવન સાથે જમડા, લેંડાઉ, ભાચર, ચુડમેર જેવા ગામોમાં વરસાદ પડતાં ખેડૂત પરિવાર ચિંતિત બન્યો છે.વાવ પંથકમાં બે દિવસથી ઉકરાટ બાદ શુક્રવારની રાતે વરસાદી ઝાપટું પડ્યું હતું. જ્યારે શનિવારે બપોરે ઢીમા તેમજ આજુબાજુના ગામોમાં શનિવારના રોજ પવન સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે ભીલડી મોરારજી માર્કેટયાર્ડમાં ખેડૂતો પોતાની મગફળી વહેંચવા આવેલા તે મગફળીની ગુણીઓ પણ વરસાદના કારણે પલળી ગઈ હતી.