વડોદરા : કોરોનાના સંક્રમણનો બીજાે તબક્કો શરૂ થઈ ચૂકયો છે ત્યારે કોરોના વાઈરસના સંક્રમણને નિયંત્રણ કરવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. દેશના રાજ્યો અને તંત્ર દ્વારા કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે તમામ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યાં છે તેમ છતાં શહેર-જિલ્લામાં મક્કમ ગતિએ વધી રહેલા કોરોના અંતર્ગત આજે ૧૧૦ વધુ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. જેથી કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૧૮,૬૮૮ પર પહોંચી ગઈ છે. આજે ૧૩ વ્યક્તિઓના બિનસત્તાવાર મૃત્યુ થયા હતા. જ્યારે ડેથ ઓડિટ કમિટીએ કોરોનામાં મોત જાહેર ન કરતાં સત્તાવાર મૃત્યુઆંક ૨૨૬ પર યથાવત્‌ રહ્યો હતો. આજે ૯૯ જેટલા દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી, જેમાં ૩૪ દર્દીઓ સરકારી, ૪૬ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાંથી, ૨૮ દર્દીઓને હોમ આઈસોલેશનમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કુલ ડિસ્ચાર્જ સંખ્યા ૧૭,૨૩૪ થઈ હતી.  

મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારો જેવા કે માંડવી, કારેલીબાગ, નવાયાર્ડ, કલાલી, દંતેશ્વર, શિયાબાગ, ઓ.પી.રોડ, સવાદ કવાર્ટર્સ, આજવા રોડ, માણેજા, અકોટા, દિવાળીપુરા, છાણી, પાણીગેટ, ફતેપુરા, મુજમહુડા, ફતેગંજ, તાંદલજા, સમા, ગોરવા, મકરપુરા સહિતના વિસ્તારો તેમજ ગ્રામ્યના કોયલી, શિનોર, પોર, ડભોઈ, કરજણ, વાઘોડિયા, પાદરા સહિતના વિસ્તારોમાં કુલ ૩૯૨૯ જેટલા કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં ૩૮૧૯ નેગેટિવ અને ૧૧૦ પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. બીજી તરફ હાલના તબક્કે શહેરની અલગ અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ૧૨૨૮ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જેમાં ૬૩ દર્દીઓ વેન્ટિલેટર પર, ૧૬૦ દર્દીઓ ઓક્સિજન પર અને ૧૦૦૫ સ્ટેબલ હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું.

કોરોના કેસોની સામે ડિસ્ચાર્જ રેટ વધુ ઃ ૬૮% બેડ ખાલી

કરફયૂ અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના કડક પાલન સહિત તંત્ર અન્ય પગલાંને કારણે વડોદરા શહેરમાં કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં સ્થિરતા જાેવા મળી રહી છે. જાે કે, શનિવારે કોરોના પોઝિટિવ કેસોની સામે સારવાર દરમિયાન સાજા થઈ રહેલા અને ડિસ્ચાર્જ આપવામાં આવી રહેલા દર્દીઓની સંખ્યામાં છેલ્લાં ત્રણ-ચાર દિવસમાં વધારો જાેવા મળી રહ્યો છે. જેમાં ૧૦૦થી વધુ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવી રહ્યો છે. જેના પરિણામે સરકારી હોસ્પિટલો અને અન્ય હોસ્પિટલોમાં ૬૮ ટકા જેટલા બેડો ખાલી હોવાનું તબીબીસૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હોસ્પિટલોમાં હાલ સ્થિતિ પર નજર કરવામાં આવે તો સયાજી હોસ્પિટલમાં ૫૭૫ની કેપેસિટી બેડની સામે ૧૪૬ દર્દીઓથી ભરાયેલા છે. ગોત્રી હોસ્પિટલમાં ૫૭૫ની સામે ૨૧૧ બેડ ભરાયેલા છે, જ્યારે રેલવે હોસ્પિટલમાં ૬પની સામે ૩૦, ઈએસઆઈ હોસ્પિટલમાં પ૦ બેડની સામે ર૬, અન્ય ફ્રી બેડ ૪૯૦ની સામે ૮ બેડ ખાનગી હોસ્પિટલ ફ્રી બેડ ૪૩૦ની સામે ૩૩ અને ખાનગી હોસ્પિટલ પેઈડ બેડ ૪૧૯૫ની સામે ૧૬૧૯ બેડ ભરાયેલા છે.

કોવિડના લક્ષણો ધરાવતા લોકોની સંખ્યામાં ઘટાડો

વડોદરા સહિત રાજ્યભરમાં દિવાળી પછી કોરોનાના કેસોમાં ખુબ વધારો જાેવા મળ્યો છે. જાેકે, ગત સપ્તાહે શહેરમાં થયેલા ડોર ટુ ડોર સર્વેક્ષણના ૧૩માં રાઉન્ડની સરખામણીમાં વર્તમાન સપ્તાહમાં થયેલા ૧૪માં રાઉન્ડમાં કોવિડ જેવા લક્ષણો ધરાવતા લોકોમાં થોડો ઘટાડો જાેવા મળ્યો છે. જાેકે તેમ છતાં, આગામી બે સપ્તાહ સુધી સંપૂર્ણ સાવચેતી લેવી અને તકેદારી રાખવી અનિવાર્ય છે. હવે આગામી ૭થી ૧૧ ડિસેમ્બર દરમિયાન ડોર ટુ ડોર આરોગ્ય સર્વેના ૧૫માં રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યુ છે.

૨૦થી ૨૬ નવેમ્બર દરમિયાન હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા સર્વોચ્ય

૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ થતાં દર્દીઓની સંખ્યામાં સ્થિરતા જાેવા મળી છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા ૨૦થી ૨૬ નવેમ્બર દરમિયાન સર્વોચ્ય રહી હતી. જાેકે સંખ્યામાં સ્થિરતા છતાં ઘટાડો તીવ્ર અને સ્થાઈ જણાયો નથી. જે આવનારા થોડા સમય માટે ચિંતાકારક બની શકે છે.