અરવલ્લી,તા.૨૯ 

મેઘરજના મોટી મોરી ગામની સીમમાંથી ૬ ફેબ્રુઆરીએ અજાણ્યા યુવકની ચાદરમાં લપેટેલી યુવકની લાશ મળી આવતા મૃતકના હાથે દોરેલા ટેટુના આધારે મૃતક યુવક રાજસ્થાનના ખરપેડા ગામનો ઈશ્વર મનાતની હોવાનું ખુલ્યું હતું.

તેના પરિવારજનોને જાણ કરતા લાશ લેવા પરિવારજનો ઇસરી પોલીસસ્ટેશને પહોંચ્યા હતા પરિવારજનો અને સગા-સંબંધીઓ યુવકની ઓળખ કરવામાં આઘા-પાછી કરતા શરૂઆતથી જ પોલીસના શંકાના દાયરામાં આવી ગયા હતા. ઘરેલુ ઝગડામાં ઈશ્વરની હત્યા તેના બંને ભાઈઓએ કરી હોવાનું કબુલાત કરતા પ્રકાશ ખાતુભાઇ મનાત અને પારસ ખાતુભાઇ મનાત મોડાસા સબજેલમાં ધકેલી દીધા હતા. પરિવારજનોએ મૃતકની અંતિમવિધિ પણ પૂર્ણ કરી હતી.દરમિયાનમાં અચાનક મૃતક યુવક ઈશ્વર પાંચ મહિના પછી ઘરે પરત ફરતા પરિવારજનો અને પત્નીની આંખો ફાટી ગઈ હતી. ઈશ્વર કામકાજ અર્થે સૌરાષ્ટ્રમાં હતો.લોકડાઉનમાં ફસાયો હોવાનું જણાવી રહ્યો છે.ઈશ્વર જીવતો પરત ફરતા ઇસરી પોલીસ માટે પણ હવે નવેસરથી તપાસમાં લાગી ગઈ છે.પાંચ મહિના અગાઉ સગા ભાઈઓના હાથે હત્યા થઈ હતી એ ઈશ્વર માનત નામનો યુવક જીવીત હાલતમાં ઘરે પરત ફરતા અનેક સવાલો પેદા થયા છે. જેમાં ઈશ્વરની હત્યાંના આરોપસર મોડાસા સબજેલમાં સજા કાપી રહેલા પ્રકાશ ખાતું મનાત અને પારસ ખાતુભાઇ મનાત બંનેએ પોતાના સગાભાઈની હત્યાનો ગુનો કઈ રીતે કબુલ્યો ...? અથવા બંને ભાઈઓએ અન્ય યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો કે શું.? મૃતકની પત્નીએ અને પરિવારજનોએ હાથ પર દોરેલ ટેટુના આધારે યુવક ઈશ્વર જ હોવાનું માની લઈ અંતિમક્રિયા પણ કરી દીધી હતી.   ઈશ્વરના બંને ભાઈઓ હત્યા કબૂલવા તૈયાર કેમ થયા સહીત અનેક પ્રશ્નો પેદા થયા છે. હાલ તો ઇસરી પોલીસે હત્યા થયેલી ઈશ્વર જીવિત હોવાનું બહાર આવતા નવેસરથી તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે