ભાવનગર,ભાવનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજેરોજ સ્ટેન્ડીંગ કમિટી મીટીંગ રૂમ ખાતે કમિટીના ચેરમેન ધિરૂ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં કુલ ૫૧ જેટલા ઠરાવો રજુ કરવામાં આવ્યાં હતા અને ૨ અગત્યના ઠરાવો અધ્યક્ષસ્થાનેથી કરવામાં આવ્યાં હતા. તેમાંથી તમામ ઠારવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યાં હતા. શહેરના જુદા જુદા વોર્ડ ખાતે રોડના કામોને બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ક.પરા, ઘોઘા રોડ, ઉ.સરદારનગર, ઘોઘા સર્કલ, પાણીની ટાંકી, કળિયાબીડ, વડવા અ વોર્ડ, દ.સરદારનગર, પીરછલ્લા વોર્ડ, વડવા બ વોર્ડ, કુંભારવાડા વોર્ડમાં આર.સી.સી રોડ, પેવીંગ બ્લોક, રિકાર્પેટિંગનું કામ સહિતના કુલ ૧૯.૭૨ કરોડના ૨૬ કામોને મંજૂર કરવામાં આવ્યાં હતા. સ્ટેન્ડિંગ કમિટીની આજે મળેલી બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી ૨ મહત્વનાં ર્નિણયો કરવામાં આવ્યાં હતા, જેમાં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં મહેકમમાં હાલ ૭૬ જગ્યા મંજૂર થયેલ છે. તેની બદલે હવે ૨૪૨ જગ્યા મંજૂર કરેલ છે. જયારે પશુ ત્રાસ વિભાગમાં હાલ ૧ જગ્યા હતી તેની સામે ૬૧ જગ્યા મંજૂર કરવામાં આવી છે. પશુ ત્રાસ વિભાગનું નવું સેટઅપ મંજૂર કરેલ છે. જેમાં માત્ર એક જ જગ્યા હતી, તેની સામે ૬૧ નવી જગ્યા ભરતી કરવામાં આવશે, જેથી ૬૦ ગણું વધુ સેટઅપ કરેલ છે.