અમદાવાદ-

ઈન્ડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચએ મંગળવારે ચોથા સીરો સર્વેના ડેટા જાહેર કર્યા. આ સર્વે જૂન-જુલાઈ વચ્ચે કરવામાં આવ્યો હતો. ૨૮,૯૭૫ લોકો પર હાથ ધરવામાં આવેલા આ સર્વેમાં ૬ થી ૧૭ વર્ષની વયના બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સર્વેમાં સામેલ ૬૭.૬% લોકોમાં કોવિડ એન્ટિબોડીઝ જાેવા મળી છે, એટલે કે, તેઓ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે.આ સર્વેમાં ૨૮,૯૭૫ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ૬ થી ૯ વર્ષની વયના ૨,૮૯૨ બાળકો, ૧૦ થી ૧૭ વર્ષની વયના ૫,૭૯૯ બાળકો અને ૧૮ વર્ષથી ઉપરના ૨૦,૨૮૪ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ICMRના ડીજી ડો. બલરામ ભાર્ગવએ સીરો સર્વેના પરિણામો જાહેર કરતાં કહ્યું કે સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે દેશની બે તૃતીયાંશ વસ્તિ કોવિડ એન્ટિબોડીઝ ધરાવે છે અને હજી પણ ૪૦ કરોડ વસ્તી પર કોરોનાનું જાેખમ છે. સર્વેમાં સમાવિષ્ટ ૬ થી ૧૭ વર્ષની વયના અડધાથી વધુ બાળકોમાં એન્ટિબોડીઝ પણ મળી આવી છે. આનો અર્થ એ છે કે બીજી લહેરમાં સંક્રમણે બાળકોને પણ અસર કરી છે. ૬ થી ૯ વર્ષની વયના ૫૭.૨% અને ૧૦ થી ૧૭ વર્ષના ૬૧.૬% બાળકોમાં કોરોનાથી એન્ટિબોડીઝ મળી આવી છે. ૧૮ થી ૪૪ વર્ષના ૬૬.૭%, ૪૫ થી ૬૦ વર્ષનાં ૭૭.૬% અને ૬૦ વર્ષથી ઉપરના ૭૬.૭% લોકોમાં એન્ટિબોડી મળી આવી છે. સર્વેક્ષણમાં સામેલ ૬૯.૨% સ્ત્રીઓ અને ૬૫.૮% પુરુષોમાં કોવિડ સામે એન્ટિબોડી મળી આવી હતી. શહેરી વિસ્તારોમાં રહેતા ૬૯.૬% અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ૬૬.૭% લોકોમાં એન્ટિબોડી જાેવા મળી.આ સર્વેમાં ૧૨,૬૦૭ લોકો સામેલ હતા જેમણે રસી લીધી ન હતી. ૫,૦૩૮ લોકો એવા હતા જેમને એક ડોઝ મળ્યો હતો અને ૨,૬૩૧ લોકોએ બંને ડોઝ લઈ લીધા હતા હતા. સર્વેમાં બહાર આવ્યું છે કે રસીના બંને ડોઝ લેનારાઓમાં ૮૯.૮% એન્ટિબોડી મળી આવી. તો બીજી તરફ એક ડોઝ લેનાર ૮૧% લોકોમાં એન્ટિબોડી મળી હતી. જ્યારે, જેમણે રસી લીધી ન હતી એવા લોકોમાંથી માત્ર ૬૨.૩% લોકોમાં એન્ટિબોડી જાેવા મળી હતી. તેથી એવું માનવામાં આવે છે કે રસી લીધા પછી એન્ટિબોડી બની રહી છે.