વડોદરા, તા.૧૫

ઉત્તરાયણના તહેવારની ઉજવણી દરમિયાન શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આગ લાગવાના કુલ સાત બનાવો બનવા પામ્યા હતા. જેમાં કમુબાળા હોલ, ગેંડીગેડ રોડ અને માંડવી નરસિંહજી પોળના મકાનોના ધાબાઓ ઉપર સળગતા ગુબ્બારાઓ પડતાં આગ લાગવાના બનાવો નોંધાયા હતા. શહેરના માંડવી સ્થિત નરસિંહજીની પોળમાં આવેલ ઝવેરી કાંતિલાલનું મકાન આવેલ છે. તેમના મકાનના ધાબા ઉપર સળગતો ગુબ્બારો પડતાં પડતાં ધાબા ઉપર ફાટેલી પતંગો અને કેટલોક સામાન મૂકેલ હોવાથી જે સળગી ઊઠયો હતો. જાે કે, આગ વધુ પ્રસરે એ પહેલાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં રેસ્કયૂ ટીમ બનાવસ્થળે આવી પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. એ જ પ્રમાણે ગેંડીગેટ રોડ સ્થિત કમુબાળા હોલની સામે આવેલ એક મકાનના ધાબા ઉપર સળગતો ગુબ્બારો પડતાં ધાબા પરનો કેટલોક સામાન સળગી ગયો હતો. જેના કારણે આગે દેખા દીધી હતી. રહેણાંક વિસ્તાર હોવાથી સ્થાનિક રહીશોમાં ભાગદોડી મચી ગઈ હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં રેસ્કયૂ ટીમ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.