વડોદરા, તા.૩ 

શહેરના આજવા રોડ પર સરદાર એસ્ટેટથી સયાજીપુરા જતા રોડ પર ૧૨ મીટરના રસ્તારેષામાં આવતા પાકા મકાનો, દુકાનો, કંપાઉન્ડ વોલ, દાદર સહિત ૪૪ જેટલા દબાણો પાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગે દબાણ ટીમની મદદથી તોડી પાડીને રસ્તાઓ ખૂલ્લા કર્યા હતા.

પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે સયાજીપુરા ટીપી-૬માં આવતા બાપા સીતારામનગર, ગાયત્રીનગર અને સહજ વિદ્યાલય, સરદાર એસ્ટેટથી સયાજીપુરા જતા ૧૨ મીટરના રસ્તારેષામાં આવતા પાકા મકાનો, દુકાનો દૂર કરવા નોટિસ ફટકારી હતી. તેમ છતાં દબાણકર્તાઓ દ્વારા આ દબાણો દૂર નહીં કરાતાં આજે પાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ દબાણ વિભાગની ટીમ સાથે ત્રણ જેસીબી, બ્રેકર, કટર મશીન તેમજ ફાયરબ્રિગેડની ટીમ અને બાપોદ પોલીસ સાથે દબાણો દૂર કરવા ત્રાટકી હતી. દબાણ ટીમે ૧ર મીટરના રસ્તારેષામાં આવતા બે માળના બે મકાનો, અન્ય પાંચ મકાનો, ત્રણ દુકાનો, કંપાઉન્ડ વોલ, દાદર અને ઓટલા મળીને ૪૪ જેટલા દબાણો દૂર કરીને રસ્તો ખૂલ્લો કર્યો હતો. દબાણની ટીમ પાકા દબાણો દૂર કરવા ત્રાકટતાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થયાં હતાં.