દિલ્હી-

ગુરુવારે સવારે દેશનાં ઘણા ભાગોમાં ઓછી તીવ્રતાનાં ભૂકંપનાં હળવા આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરનાં કટરામાં આજે વહેલી સવારે 3.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે, ભૂકંપની તીવ્રતા વધારે ન હોવાથી કોઇપણ પ્રકારનાં નુકસાનનો અવકાશ ઘણો ઓછો છે. આ સિવાય વનુઆતમાં 6.8 ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો છે. જેના કારણે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આજે સવારે 5.08 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ કટરાથી 54 કિમી દક્ષિણપૂર્વમાં 5 કિમીની ઉંડાઈ પર હતું. વળી, આજે સવારે 7.03 વાગ્યે મેરઠ નજીક 2.7 ની તીવ્રતાનો હળવો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિમી નીચે હતું. આમાં કોઈ જાનહાનિ કે જાનમાલનાં નુકસાનનાં સમાચાર નથી. હિમાચલ પ્રદેશનાં કિન્નૌર જિલ્લામાં રવિવારે 3.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટનાં એક અધિકારીએ કહ્યું હતું કે, જાનમાલના નુકસાનનો કોઈ અહેવાલ સામે આવ્યો નથી. અધિકારીએ જણાવ્યું હતુ કે, ભૂકંપનું કેન્દ્ર કિન્નૌરમાં જમીનથી 10 કિમી નીચે સ્થિત હતું. 1.13 વાગ્યે આંચકા અનુભવાયા હતા.