સંસદમાં આજે બિલ રજૂ થશે, પીએમ, સીએમ કે કોઈપણ નેતા 30 દિવસથી વધુ જેલમાં રહેશે તો પદ છીનવાશે
20, ઓગ્સ્ટ 2025 નવી દિલ્હી   |   2673   |  

કેન્દ્ર સરકાર આજે લોકસભામાં ત્રણ બિલ રજૂ કરશે

કેન્દ્ર સરકાર બુધવારે લોકસભામાં ત્રણ બિલ રજૂ કરશે, જેમાં વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને ગંભીર ગુનાઈત કેસોમાં ધરપકડ અથવા અટકાયતમાં લેવામાં આવે તો તેમને તેમના પદ પરથી દૂર કરવામાં આવશે. હકીકતમાં, હાલમાં કોઈ પણ કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે ધરપકડ અથવા ન્યાયિક કસ્ટડીના કિસ્સામાં રાજકારણીઓને તેમના પદ પરથી દૂર કરી શકાય. પરંતુ, હવે સરકારે ત્રણ બિલ તૈયાર કર્યા છે જે ગંભીર ફોજદારી કેસોમાં આરોપી રાજકારણીઓ પર કડક કાર્યવાહી કરશે.

કેન્દ્ર સરકાર બુધવારે જે બિલ રજૂ કરશે તેમાં કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર (સંશોધન) બિલ 2025, બંધારણ બિલ 2025 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સંશોધન) બિલ 2025નો સમાવેશ થાય છે. કહેવાય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ત્રણેય બિલોને સંસદની સંયુક્ત સમિતિને મોકલવા માટે લોકસભામાં પ્રસ્તાવ પણ રજૂ કરશે.

કેન્દ્રશાસિત પ્રદેશ (સંશોધન) બિલ, 2025ના હેતું અને કારણોના જણાવતા કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ અધિનિયમ, 1963 (1963 ના 20) માં એવી કોઈ જોગવાઈ નથી કે જેના હેઠળ ગંભીર ગુનાઈત આરોપોમાં ધરપકડ અને અટકાયતની સ્થિતિમાં મુખ્યમંત્રી અથવા મંત્રીને દૂર કરી શકાય. તેથી, આ કાયદાની કલમ 45 માં સુધારો કરીને આવી પરિસ્થિતિ માટે કાનૂની જોગવાઈ કરવી જરૂરી છે.

બંધારણ (130મું સંશોધન) બિલ, 2025ના હેતુંમાં કહેવામાં આવ્યું કે, બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી કે, કોઈ મંત્રીને કોઈ ગંભીર ગુનાઈત આરોપમાં ધરપકડ અને કસ્ટડીમાં લેવાની સ્થિતિમાં પદ પરથી દૂર કરવામાં આવે. તેથી બંધારણના અનુચ્છેદ 75, 164 અને 239AAમાં સંશોધન કરીને વડાપ્રધાન અથવા કેન્દ્રીય મંત્રી અને રાજ્યો તેમજ દિલ્હીના મુખ્યમંત્રીને પદથી દૂર કરવાની પણ જોગવાઈ કરવાની જરૂર છે.

નવી જોગવાઈ હેઠળ જો કોઈ મંત્રી, જેમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી અથવા રાજ્યના મંત્રી સામેલ છે. જો તેમાંથી કોઈને પણ પાંચ વર્ષ અથવા તેનાથી વધુ સમયગાળાની સજાવાળા ગુના માટે સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવે તો તેમને પદ પરથી દૂર કરવામાં આવી શકે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution