વડોદરા

ડોકટરી ડિગ્રી વગર એલોપેથિક તબીબ તરીકે ઘણાં વરસોથી તબીબની પ્રેક્ટિસ કરતી વ્યક્તિને પીસીબી પોલીસે બાતમીના આધારે નંદેસરી જીઆઈડીસી બ્લોક એ/ર પાસે એક રૂમમાં ખાનગી ક્લિનિક ચલાવતાં ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસે દર્દીના સારવારની દવાઓ, ઈન્જેકશનો અને ગ્લુકોઝના બોટલો સહિતનો જથ્થો મળી આવતાં જે જપ્ત કરવામાં આવ્યો હતો. તબીબ પાસે ડોકટરી ડિગ્રી ન હોવાથી પોલીસે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસસૂત્રોમાંથી મળતી વિગત અનુસાર વડોદરા શહેર નજીક નંદેસરી જીઆઈડીસી બ્લોક નં.એ/ર પાસે સુશાંતકુમાર સુશીલકુમાર રોય (ઉં.વ.૪૭) છેલ્લાં ર૦ વર્ષથી રોય ક્લિનિકના નામે મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો. જાે કે, આ તબીબ પાસે ડોકટરની ડિગ્રી ન હોવાનું પ્રકાશમાં આવતાં બોગસ તબીબ સુશાંતકુમાર રોયની બાતમી શહેરના પીસીબી પોલીસને મળી હતી. જેના આધારે પીસીબીના પીઆઈ જે.જે.પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.ડી.બામણિયાએ પોલીસની ટીમ સાથે નંદેસરી જીઆઈડીસી બ્લોન નં.એ/રમાં એક રૂમ ઉપર લાગેલા રોય ક્લિનિક ઉપર છાપો માર્યો હતો. દરમિયાન ક્લિનિકમાં હાજર બોગસ તબીબ સુશાંતકુમાર રોય બેઠેલો મળી આવ્યો હતો, જ્યાં તેની સઘન પૂછપરછ કરતાં પોલીસને આ બોગસ તબીબ પાસે ડોકટરની ડિગ્રી ન હોવા છતાં એલોપેથિક તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં પ્રકાશમાં આવ્યું હતું. આ ઉપરાંત માનવ સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જાે કે, પોલીસે એલોપેથિક તબીબ તરીકેનું સર્ટિફિકેટ માગતાં જે પોતાની પાસે ન હોવાનું જણાવતાં પોલીસે વગર ડિગ્રીએ તબીબની પ્રેક્ટિસ કરતાં બોગસ તબીબ સુશાંતકુમાર રોયની અટકાયત કરવામાં આવી હતી અને તેની ક્લિનિકમાંથી દર્દીઓની સારવારની મેડિસિન, ઈન્જેકશનો અને ગ્લુકોઝ શક્તિના બોટલો સહિતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. તે બાદ ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ હેઠળ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.