અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આખાય દેશમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે. આવા રૂડાં અવસરને સંસ્કારી નગરીએ પણ ઉલ્લાસપૂર્વક ઉજવ્યો હતો. શહેરના ખૂણેખૂણે આવેલા ૩૮ રામ મંદિરોને ફુલોથી શણગારવામાં આવ્યા હતા. શહેરના રાજમાર્ગો પર ભગવા તોરણો બંધાયા હતા. શહેરની તમામ ઐતિહાસીક ઈમારતોને રોશનીથી સજાવાઈ હતી. ઘેરઘેર દીવડાં કરવામાં આવ્યા હતા. ગૃહિણીઓએ કંસાર રાંધીને પરિવારનું મોઢું ગળ્યું કર્યું હતુ. શહેરની બહુમાળી ઈમારતોમાં ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ યોજાયા હતા. સુંદરકાંડના જાહેર કાર્યક્રમો યોજાયા હતા. રામભક્તોએ બાઈક રેલી કાઢી હતી. તો મહિલાઓએ લાડવાનું વિતરણ કર્યું હતુ. લગભગ સવા લાખ જેટલા દીવડાનું વિતરણ કરાયું હતુ. તો દીપોત્સવની જેમ ઠેરઠેર દીવા પ્રગટાવાયા હતા. પ્રભુ શ્રી રામની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ આખીય વડોદરા નગરી દૂલ્હનની જેમ સજાવાઈ હતી. જય શ્રી રામના નારા સાથે રામ રાજ્યની સ્થાપનાના વધામણાં કરાયા હતા. વડોદરા કોર્પોરેશન દ્વારા સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને ન્યાય મંદિર કોર્ટના સંકુલમાં રંગોળી પ્રદર્શન યોજાયા હતા. વડોદરાના કલાકારોએ ગીત-સંગીત, ચિત્રો અને રંગોળી દ્વારા પ્રભુ શ્રી રામ પ્રત્યેની શ્રધ્ધા-ભક્તિ વ્યક્ત કરી હતી.

૧. ભાજપના યુવા મોરચા દ્વારા આજે હરણી ભીડભંજન હનુમાનજી મંદિરે આજે લેકઝોનમાં મોતને ભેંટેલા હતભાગીઓને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારપછી વિશાળ બાઈક રેલી કાઢવામાં આવી હતી. અને પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ, જાનકીના મુકુટોને સયાજીગંજના રામજી મંદિરે અર્પણ કર્યાં હતા.

૨. વડોદરા કોર્પોરેશન દ્વારા રામોત્સવ અંતર્ગત ઐતિહાસીક ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં રોગોળી પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ. જેમાં ભગવાન શ્રી રામના જીવનના વિવિધ પ્રસંગો ઉપર કલાનગરીના રંગોળી આર્ટિસ્ટો દ્વારા અદભૂત રંગોળી બનાવવામાં આવી હતી. આ પ્રદર્શનને જાહેર જનતા માટે ખુલ્લુ મુકાયુ હતુ.

૩. માંજલપુર વિસ્તારમાં આવેલા વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં આજે રામોત્સવ અંતર્ગત ૫૧,૦૦૦ દીવડાંઓને પ્રજ્વલિત કરીને ભવ્ય દીપોત્સવ ઉજવાયો હતો. કાર્યક્રમની શરૂઆત પહેલા હોડીકાંડમાં મૃત્યુ પામેલા હતભાગીઓને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. અને ત્યારપછી દીપોત્સવ ઉજવાયો હતો.

૪. વડોદરાની ગૌસેવા સમિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા આજે શહેરના રાજમાર્ગો પર બાઈક રેલી કાઢવામાં આવી હતી. જેમાં સેંકડો રામભક્તો જાેડાયા હતા. રેલીમાં જાેડાયેલા યુવકોના હાથમાં ભગવા રંગના ઝંડા હતા અને એમના મુખમાં જય શ્રી રામના નારા હતા.

૫. જૈન ધર્મના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધૂરંધર સુરીજી મહારાજ ૬૦૦ કિલોમીટરનો વિહાર કરીને અયોધ્યાની ધરતી પર પહોંચ્યા હતા. તેઓ અયોધ્યાના રામ મંદિરમાં આવતીકાલે યોજાનારા ભગવાન શ્રી રામની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે.

૬. અટલાદરાની બી.એ.પી.એસ સંસ્થાના સ્વામી નારાયણના સંતોએ આજે દીપોત્સવ ઉજવ્યો હતો. અયોધ્યામાં પ્રભુ શ્રી રામના યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અટલાદરાના સ્વામી નારાયણ મંદિરને રોશની અને ફુલોથી શણગારવામાં આવ્યુ હતુ.

૭. ભાયલીમાં ભવ્ય રામોત્સવ ઉજવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે ભાયલીમાં ૫૧,૦૦૦ દીવા પ્રગટાવવાના મનોરથને પાર પાડવા માટે આજે ગામમાં દીવા તૈયાર કરવાની રીતસરની ઝૂંબેશ ઉપાડવામાં આવી હતી. જેમાં ગામની મહિલાઓએ સહયોગ આપ્યો હતો.

૮. સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ૩૬ સ્કેયર ફૂટની વિશાળ રંગોળી દોરવામાં આવી હતી. જેમાં ભગવાન શ્રી રામની વિશાળ તસવીરને અંકિત કરાઈ હતી. જાયન્ટ રંગોળીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં રામભક્તો સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ઉમટી પડ્યાં હતા.

૯. વડોદરા શહેરમાં ૩૪ ઐતિહાસીક રામ મંદિરો આવેલા છે. આવા તમામ રામ મંદિરોને આજે ફુલોથી શણગારવામાં આવ્યા હતા. ઉપરાંત, તેમાં રોશની, દીવડાં અને રંગોળીથી સુશોભન કરાયું હતુ. મંદિરોમાં રામભક્તોએ શ્રમદાન આપીને સહયોગ કર્યો હતો.

૧૦,. પાંચસો વર્ષના લાંબા સંઘર્ષ બાદ અયોધ્યાના રામ મંદિરમાં પ્રભુ શ્રી રામની સ્થાપના થવાની છે. આવા મહામૂલા અવસરને વધાવી લેવા માટે વડોદરામાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. આજે શહેરના લગભગ તમામ રાજમાર્ગો પર ભગવા ઝંડા લહેરાયા હતા અને તોરણો લગાવાયા હતા.

૧૧. પ્રભુ શ્રી રામ પ્રત્યે ભક્તિ વ્યક્ત કરવા માટે વડોદરા શહેરની એક યુવતીએ પોતાના રક્તથી પ્રભુ શ્રી રામનું સુંદર ચિત્ર બનાવ્યુ હતુ. આજે યુવતીએ આ ચિત્રને કાલાઘોડા વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાનજી મંદિરે અર્પણ કરીને ભગવાન પ્રત્યે પોતાની શ્રધ્ધા દર્શાવી હતી.

૧૨. વડોદરા શહેરની ન્યાય મંદિર, માંડવી, ગેંડીગેટ, પાણીગેટ, ચાંપાનેર, માર્કેટ અને લાલકોર્ટ જેવી તમામ ઐતિહાસીક ઈમારતોને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. ઈમારતો પર કરવામાં આવેલા લાઈટિંગથી જબરધસ્ત આકર્ષણ ઉભુ થયુ હતુ.

૧૪. માંજલપુર વિસ્તારમાં રામોત્સવની ઉજવણીના ભાગરૂપે ૨૧,૦૦૦ દીવડાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ દીવડા પ્રગટાવીને આખાય માંજલપુરમાં દીપોત્સવ ઉજવાશે તેવો આશાવાદ કાર્યકરોએ વ્યક્ત કર્યો હતો. દીવડાના વિતરણને લીધે વિસ્તારમાં કુતુહલ ઉભુ થયુ હતુ.

૧૫. રામોત્સવની ઉજવણીમાં ભાજપના નેતાઓ પણ શામેલ થયા હતા. સયાજીગંજના ધારાસભ્ય કેયૂર રોકડીયાએ ૭૦,૦૦૦ દીવડાંનું વિતરણ કર્યું હતુ. દીવડાના વિતરણ દરમિયાન મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

૧૬. માંજલપુરના વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં રામોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે આજે વ્રજધામ સંકુલમાં જલેબી ઉત્સવ ઉજવાયો હતો. આવા અનોખા ઉત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ જલેબીના પ્રસાદથી મોઢું ગળ્યું કર્યું હતુ.

૧૭. વડોદરામાં રામોત્સવની ઉજવણીના ભાગરૂપે એડવોકેટ વિરાજ ઠક્કરે તદ્દન અલગ અભિગમ અપનાવ્યો હતો. એમણે વડોદરા રેલવે સ્ટેશન પાસેના ફૂટપાથ પર રહેતા ભિક્ષુકોને ભાવતાં ભોજન જમાડીને તેમને પણ રામોત્સવમાં શામેલ કરવાનો મનોરથ માન્યો છે.

૧૮. હરણી રોડ પર આવેલા શ્રી વિજય નગરના યુવકો દ્વારા રામોત્સવની ઉજવણીના ભાગરૂપે ૧૦૧ કિલોગ્રામ લાડુના વિતરણનો મનોરથ રાખવામાં આવ્યો હતો. જેને પૂર્ણ કરવા માટે લાડવા બનાવવાની કામગીરી આરંભાઈ હતી. આવતીકાલે ૧૦૧ કિલો લાડુનું વિતરણ કરાશે

૧૯. હરણી રોડ પર આવેલી પોલીસ કોલોનીમાં રહેતા ગિરિશ શિંદેએ પ્રભુ શ્રી રામના નામનું ભવ્ય લાઈટિંગ ડેકોરેશન કર્યું હતુ. આ લાઈટિંગ ડેકોરેશને સમગ્ર હરણી વિસ્તારમાં ભારે કુતુહલ ઉભુ કર્યું હતુ. ભગવાન શ્રી રામના લાઈટિંગ ડેકોરેશન સાથે યુવકોએ સેલ્ફી લીધી હતી.

૨૦. હરણી તળાવમાં સર્જાયેલા હોડીકાંડમાં મોતને ભેટેલા ૧૪ નિર્દોષોને શ્રધ્ધાંજલિ આપવા માટે ધર્મયાત્રા મહાસંઘના આદર્શ મહિલા મંડળ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં ધર્મયાત્રા મહાસંઘના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.