બોડેલી, પાવીજેતપુર : બોડેલી અને પાવીજેતપુરના એ.પી.એમ.સી. ખાતે રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના આશય સાથે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને આર્ત્મનિભર ગુજરાત અભિયાન અંતર્ગત ખેડૂતોના કલ્યાણ માટે બનતી સાત કૃષિલક્ષી યોજનાની સમજ માટે માર્ગદર્શન કાર્યક્રમ રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં સંપન્ન  થયો હતો. 

આ પ્રસંગે મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવા માટે સંકલ્પબદ્ધ છે. આ માટે ખેડૂતોની મુશ્કેલીઓને સુપેરે સમજી નક્કર આયોજન અને ચોક્કસ રોડ મેપ સાથે આગળ વધી રહી છે. આ માટે અનેકવિધ યોજના અમલમાં મૂકી છે. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને પાંચ હપ્તામાં રૂ. ૨૦૦૦ લેખે કુલ રૂ. ૯૧ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ઉપરાંત કમોસમી વરસાદના પગલે પાકના નુકસાન પેટે વળતર ચૂકવવાની સાથે સી.સી.આઈ. દ્વારા ખેડૂતોની જણસોને ટેકાના ભાવે ખરીદે અને ખેડૂતોને સશક્ત કરવાના પ્રયાસો કરાયા હતા.