વડોદરા : પીએચડી કરતી વિદ્યાર્થિનીને ધાકધમકી આપી વારંવાર બળાત્કાર ગુજારવાના પારુલ યુનિ.ના પ્રોફેસરે અદાલતમાં મુકેલી જામીનઅરજી નકારવામાં આવી છે. જામીનઅરજીની સુનાવણી દરમિયાન આખા મામલામાં પારુલ યુનિ.ની ભૂમિકા અંગે શંકા જતાં અદાલતે નોટિસ કાઢી હતી. યુનિ.ના રિપોર્ટમાં જ આ બળાત્કારના આરોપી પ્રોફેરસે અન્ય વિદ્યાર્થિનીઓને પણ બીભત્સ મેસેજ કર્યો હોવાનું બહાર આવતાં જામીનઅરજી નકારવામાં આવી છે. વિદ્યાર્થિની ઉપર વારંવારના બળાત્કાર પ્રકરણમાં પારુલણ યુનિ.ની કમિટીએ વિશાખા ગાઈડલાઈન પ્રમાણે તપાસ કરી પગલાં લીધાં છે કે કેમ? એવો સવાલ પણ અદાલતે ઉપસ્થિત કરી મંગાવેલ રિપોર્ટમાં અનેક ક્ષતિઓ હોવાનું કોર્ટે નોંધ્યું હતું. ભોગ બનેલી યુવતી તરફે એડ્‌વોકેટ હર્ષદ પરમારે દલીલ કરી જામીનઅરજીનો વિરોધ કર્યો હતો. વાઘોડિયા પોલીસ મથક નોંધાયેલા બળાત્કારના આ બનાવમાં પારુલ યુનિ.માં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા નવજ્યોત કુમાર શાંતિલાલ ત્રિવેદીએ યુનિ.માં અભ્યાસ કરતી યુવતીને ધાકધમકી આપી વડોદરા અને દિલ્હી ખાતે અલગ અલગ સમયે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. એ અગાઉ યુનિ.ની. કામના સ્થળે થતી હેરાનગતિની અંગેની સમિતિ સમક્ષ થયેલી ફરિયાદમાં ભીનું સંકેલી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ભોગ બનેલી યુવતીએ જણાવ્યું હતું.