દાહોદ, અહીના નવજીવન કોલેજના મેદાનમાં તા. ૨૬ના રોજ સવારે ૯ વાગ્યે ૭૨માં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ધ્વજ લહેરાવશે. આ બન્ને મહાનુભાવો તા.૨૫ના સાંજના દાહોદના મહેમાન બનવાના છે. એ બાદ સવારે નવજીવન કોલેજના ગ્રાઉન્ડ ખાતે પધારશે. ત્યાં તેમનું પોલીસ દ્વારા સ્વાગત કરવામાં આવશે. બાદમાં મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમ અને રાજ્ય પોલીસ વડા શ્રી આશિષ ભાટિયા તેમને પોડિયમ ખાતે દોરી જશે. જ્યાં તેઓ તિરંગાને લહેરાવી સલામી આપશે.  

એ બાદ બન્ને મહાનુભાવો પરેડનું નિરીક્ષણ કરશે અને બાદમાં પરેડ માર્ચ પાસ્ટ કરશે. આ પરેડમાં કુલ ૧૨ પ્લાટુન ભાગ લઇ રહી છે. તેમાં ૭૫૦થી વધુ પોલીસના જવાનો સામેલ થશે. જેમાં વિવિધ જિલ્લાની મહિલા પોલીસની ટૂકડીઓ પણ છે. આ ઉપરાંત ચેતક કમાન્ડો, મરિન કમાન્ડો રાજ્યના પોલીસ દળની શક્તિનું દેખાડશે. જ્યારે ગુજરાત પોલીસના માઉન્ટેડ પોલીસના અશ્વો ટેન્ટ પેગિંગ, શો જમ્પિંગ, સ્ટેન્ડિંગ સેલ્યુટિંગના કરતબો થશે. આ ઉપરાંત પોલીસના શ્વાનો દ્વારા પણ શો રજૂ કરવામાં આવશે. બાઇકર્સ દ્વારા સ્ટન્ટ કરાશે. આદિવાસી નૃત્યોનો સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત થશે.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. રાજયમાં ચુંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં હોવાથી રાજય ચૂંટણી હેઠળના વિસ્તારોમાં મુખ્યમંત્રી તથા મંત્રીઓના હસ્તે થનારા ધ્વજવંદન અને ઉજવણીના કાર્યક્રમોને લઇને રાજય ચૂંટણી પંચે કેટલીક બાબતોનું પાલન કરાવવાની જિલ્લા ચૂંટણી અધિકારી સહિત અન્યોને સૂચના જારી કરી છે.