વડોદરા, તા.૧

શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી ડિવોર્સી માતાએ તેની સગી બે પુત્રીઓની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યાના બનાવની શાહી સૂકાય તે અગાઉ આજે રાવપુરા વિસ્તારમાં રહેતાં પંચાલ પરિવારના દંપતી અને તેઓના યુવાન પુત્રએ સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ભાડાના મકાનમાં રહેતાં પરિવારના સામૂહિક આપઘાતના બનાવમાં આર્થિક ભીંસ કારણ કારણભૂત હોવાની વિગતો સપાટી પર આવતાં કાળઝાળ મોંઘવારીમાં વધુ એક પરિવાર પીંખાયું છે. આ બનાવની જાણ થતાં જ શહેર પોલીસ તંત્રના ઉચ્ચાધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને માતા-પુત્રના મૃતદેહને તેમજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પિતાને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જેમાં પિતાનું પણ સારવારના અંતે મોડી સાંજે મોત નીપજ્યું હતું.

શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં પિરામિતાર રોડ પર કાછિયાપોળમાં આવેલી પીઠ્ઠળ કૃપા બિલ્ડિંગના બીજા માળે ભાડાના મકાનમાં રહેતા ૪૭ વર્ષિય મુકેશભાઈ ભોગીલાલ પંચાલ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા જયારે તેમના પત્ની ૪૫ વર્ષીય નયનાબેન વ્યવસાયે ગૃહિણી હતી અને ૨૨ વર્ષીય પુત્ર મિત્તુલ શેરબજારનું કામ કરતો હતો. આજે વહેલી સવારે મુકેશભાઈના મકાનમાંથી બચાવો..બચાવો..ની ચીસો સાંભળવા મળતા જ નીચેના પહેલા માળે રહેતા મકાનમાલિકની પત્ની તુરંત ઉપરના માળે દોડી ગયા હતા. તેમણે ઉપરના માળે જાેતા જ પહેલા રૂમમાં મુકેશભાઈ લોહીલુહાણ હાલતમાં હતા અને તેમણે જણાવ્યું હતું કે અંદરના રૂમમાં મારી પત્ની અને પુત્રએ આપઘાત કરી લીધો છે એટલે મેં પણ મરી જવા માટે મારા ગળા પર ચાકુ અને બ્લેડના ચીરા માર્યા છે.

મકાનમાલિકની પત્નીએ અંદર જાેતા મિત્તુલે સિલીંગ ફેનની બાજુની હીંચકાના હુકમાં દોરડી વડે ફાંસો ખાઈને લટકતો હોવાની તેમજ અન્ય રૂમમાં નયનાબેન પણ ચત્તા મોંઢે જમીન પર પડેલા હોવાની અને તેમની આજુબાજુમાં લીલા રંગનું પ્રવાહી અને ઝેરની બોટલો પડેલી જાેતા જ તેમણે તુરંત બહાર દોટ મૂકી હતી અને તેમના પરિવારજનો અને પાડોશીઓને મદદ માટે આવવા માટે બુમો પાડી હતી. મુકેશભાઈ લોહીલુહાણ હાલતમાં કણસતા હોઈ તેમને તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બીજીતરફ ભરચક વિસ્તારમાં આ બનાવની જાણ થતાં ટોળેટોળે ઘટનાસ્થળે ભેગા થયા હતા જેમાં પુત્ર અને માતા સંભવિત મૃત હાલતમાં હોવાની જાણ થતાં આ બનાવની પોલીસને જાણ કરાઈ હતી. બનાવના પગલે ઝોન-૨ના ડીસીપી અભય સોની તેમજ રાવપુરા પોલીસ મથકના પીઆઈ પી.જે.તિવારી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે નયનાબેન અને મિત્તુલના મૃતદેહોને સયાજી હોસ્પિટલમાં ખસેડી એફએસએલની ટીમને ઘટનાસ્થળે બોલાવી બનાવની તપાસ શરૂ કરી હતી. આ બનાવ હત્યા કે આપઘાતનો છે તેની પ્રાથમિક વિગતો મેળવવા મેળવવા માટે પોલીસે ઈજાગ્રસ્ત મુકેશભાઈની પુછપરછ કરી હતી જેમાં તેમણે આર્થિક સંકળામણના કારણે પત્ની અને પુત્રએ આપઘાત કરી તેમણે પણ જાતે ગળા પર ચીરા મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે તેટલી વિગતો જણાવી હતી.

જાેકે મુકેશભાઈને ગળાના ભાગે ઉંડે સુધી ઈજા હોઈ તેમની ઘનિષ્ટ સારવાર હાથ ધરાઈ હતી પરંતું મોડી સાંજે તેમનું પણ કરુણ મોત નીપજતા સમગ્ર પરિવાર આર્થિક ભીંસના કારણે પીંખાયો હતો. આ બનાવનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે ઘટનાસ્થળેથી મિત્તુલનો મોબાઈલ ફોન તેમજ જંતુનાશક દવાની બે બોટલ તેમજ લોહીથી ખરડાયેલા ચાકુ અને બ્લેડ કબજે કર્યા હતા. આ પૈકીના નયનાબેનના મૃતદેહ પાસેથી ડાયરી પણ મળી હતી જે પોલીસે કબજે કરી હતી, પરંતું ડાયરીમાં કોઈ ફળદાઈ વિગતો મળી નથી તેમ ડીસીપી અભય સોનીએ જણાવ્યું હતું. પંચાલ પરિવાર આર્થિક ભીંસમાં હોઈ અને તેમને એક માસમાં મકાન ખાલી કરવાની તાકિદ કરાઈ હતી અને આજે મુદતનો છેલ્લો દિવસ હોવાની પોલીસને વિગતો સાંપડતા પોલીસે નવા મકાનમાલિક વિવેક સિંહાની પણ પુછપછર હાથ ધરી હતી.