અમદાવાદ, શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદે બાંધકામો થયેલાં છે અને હજી થઈ રહ્યાં છે, જેમાં કોર્પોરેશનના અધિકારીઓ જ નહીં, પરંતુ કોર્પોરેટર પણ તોડપાણી કરતા જ હોય છે. નાનું બાંધકામ થાય તોપણ ફોટો પાડી અને એને રોકવાની ધમકી આપી કોર્પોરેટર પૈસા પડાવી લે છે. અમદાવાદના વિરાટનગરનાં પૂર્વ કોર્પોરેટર ગીતાબેન પટેલના પતિ કીર્તિભાઈ પટેલનો ગેરકાયદે બાંધકામ માટે રૂ. ૨૦ હજારની લાંચ માગતો ઓડિયો વાઇરલ થયો છે. વાઇરલ ઓડિયોમાં ગેરકાયદે બાંધકામ માટે બધા વહીવટ કરે છે એવું કહે છે. એક તરફ, રાજ્ય સરકાર ભ્રષ્ટાચારમુક્ત ગુજરાતની વાત કરે છે, પરંતુ ખુદ કોર્પોરેટરના પતિ આવી લાંચ માગે છે, ત્યારે એસીબી આવા લોકો સામે કાર્યવાહી કરે એ જરૂરી છે. આ બાબતે ગીતાબેન પટેલે કહ્યું હતું કે પૈસા તો બધા લે જ છે, અમને તો લોકો સામેથી ઓફિસે આવીને પૈસા આપી જાય છે અને કહે છે અરજી કરતા નહિ. પૂર્વમાં તો અનેક લોકો પૈસા લે છે અને ધંધા ચાલે જ છે. કરોડોની મિલકત લોકો વસાવી લે છે. બાંધકામમાં બધા પૈસા લે છે. શહેરમાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે. આવાં બાંધકામ કરનારા લોકો પાસેથી મોટે પાયે તોડપાણી કરવામાં આવે છે, જેની વચ્ચે ઓઢવ, વિરાટનગર, બાપુનગર અને નિકોલના વિસ્તારોમાં જ્યાં ગેરકાયદે કામ ચાલતાં હોય ત્યાં વિરાટનગરનાં પૂર્વ મહિલા કોર્પોરેટર ગીતાબેન પટેલના માણસો જઈ એના ફોટા પાડીને જે-તે વ્યક્તિને ગીતાબેનનું વિઝિટિંગ કાર્ડ આપી દે છે, જેમાં તેમના પતિ કીર્તિભાઇનો મોબાઇલ નંબર અપાતો હતો.