વડોદરા, તા.૩૦

કંપનીઓમાં ઊંચા વળતરે ગાડી ભાડે લેવાના બહારને કારમાલિકોને છેતરતા ભેજાબાજને પાણીગેટ પોલીસે ઝડપી પાડી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. લાંબા સમયથી ચાલતી આ છેતરપિંડીમાં પાંચ વૈભવી કાર સાથે દિવ્યરાજ ચૌહાણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના વાઘોડિયા રોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ પાસેના વિઠ્ઠલનગર કોમ્પલેક્સમાં રહેતો દિવ્યરાજસિંહ વિજયસિંહ ચૌહાણ કારમાલિકોને મળી કંપનીઓમાં પોતાની મોટી ઓળખાણ હોવાચી ઊંચા માસિક ભાડેથી ગાડીઓ મૂકાવી આપવાની વાતો કરતો હતો અને કાર ભાડે લીધા બાદ એક કે બે મહિના ભાડું આપ્યા બાદ ભાડે લીધેલી કાર બારોબાર ગીરવે મૂકી દેતો હતો. કારમાલિકો રૂપિયાનો ઉઘરાણી કરે ત્યારે અવનવા બહાના બતાવી કારમાલિકોને ગેરમાર્ગે દોરતો હતો. એક પછી એક એમ પાંચ વૈભવી કાર ભેજાબાજ દિવ્યરાજસિંહે માલિકોની જાણ બહાર સગેવગે કરી દીધી હતી, જેની પોલીસ ફરિયાદો પાણીગેટ પોલીસ મથકે નોંધાઈ હતી. આ અંગે પાણીગેટ પોલીસ મથકના પીઆઈ કે.પી.પરમારે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી ભેજાબાજ અંગે માહિતી મેળવી હતી અને ભેજાબાજને ઝડપી પાડયો હતો. પોલીસે ટોયોટા ફોચ્ર્યુનર કાર, મારુતિ અર્ટિગા કાર અને ત્રણ મારુતિ ઈકો મળી કુલ ર૬ લાખની કિંમતની પાંચ કારો પણ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.