રાજપીપળા, આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ અન્વયે નર્મદા જિલ્લાની જનતા વધુમાં વધુ મહત્તમ મતદાન કરે તેવા હેતુસર જનજાગૃત્તિ કેળવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનાં માર્ગદર્શન હેઠળ આજે રાજપીપલા ખાતે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી મતદાર જાગૃત્તિ રેલીને જિલ્લા શિક્ષણાધિકારી જ્યેશ પટેલે રાજપીપલા જિલ્લા ન્યાયાલય ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. મતદાર જાગૃત્તિનાં બેનર્સ સાથેની આ રેલી જિલ્લા ન્યાયાલયથી સ્ટેશન રોડ, સફેદ ટાવર થઇને સરદાર ટાઉનહોલ ખાતે પહોંચીને રેલીનું સમાપન થયું હતું. જિલ્લા શિક્ષણ નિરીક્ષક બી.ડી.વસાવા, જિલ્લા મદદનીશ શિક્ષ્ણ નિરીક્ષક એમ.એમ.પરમાર તેમજ રાજપીપલાની અંબુભાઇ પુરાણી, કન્યા વિનય મંદિર,નવદૂર્ગા હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ, છાત્રો સહિત શિક્ષકો આ રેલીનાં સ્વરૂપમાં ન્યાયાલય ખાતેથી આગળ વધીને સ્ટેશન રોડ, સફેદ રોડ થઇને સરદાર ટાઉનહોલ સુધી મતદાર જાગૃત્તિનાં બેનર્સ-પ્લેકાર્ડ સાથે મતદારોને તેમનાં કિમતી મતની અગત્યતા સાથે તા. ૨૮ મી ફેબ્રુઆરી રોજ તમામ મતદારોને મતદાનમાં અચૂક ભાગ લેવાનો સંદેશો આપ્યો હતો. મતદાર જાગૃત્તિ રેલીમાં “મતદાન – મહાદાન”, “મત આપો દેશ બચાવો“, ૧૮ વર્ષની કરી ઉંમર પાર, હવે મળ્યો મતનો અધિકાર, ચાલો આપણે કરીએ મતદાન”, “જન જન યહી પુકાર, વોટ ડાલો અબકી બાર”, “લોકશાહીની નમ્ર અરજ, મતદાન એ પવિત્ર ફરજ”, “આપકા મતદાન લોકતંત્રકી જાન”, “છોડો અપને સારે કામ, પહલે ચલો કરે મતદાન”, “મારો મત મારી સરકાર”, વગેરે જેવા બેનર્સ-પ્લેકાર્ડ સાથેની આ રેલીએ મતદાન કરવાનો સંદેશો ગુંજતો કર્યો હતો.