વડોદરા : સમા-છાણી કેનાલ રોડ પર ગેરકાયદે ભૂંડો ભરેલો ટેમ્પો ગુજરાત પ્રાણીક્રૂરતા સંસ્થાએ ઝડપી પાડયા બાદ આ મામલે સમા પોલીસ મથકે ગુનો નોંધાવતી વખતે પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટરનો કાનૂની કાર્યવાહીમાં કડવો અનુભવ થતાં સંસ્થાના પ્રમુખે પીઆઈના વર્તન અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે.

આ સમગ્ર બનાવની વિગત એવી છે કે શહેરના સમા-છાણી કેનાલ રોડ પર માટલાવાળાની પાછળ લાલ રંગના ટેમ્પોમાં સવારથી ભૂખ્યા-તરસ્યા ભંૂડો ભરીને ટેમ્પો ઊભો છે અને રિક્ષામાં ભૂંડો લાવીને ટેમ્પોમાં ભરવામાં આવે છે તેવી ચોક્કસ બાતમી ગુજરાત પ્રાણીક્રૂરતા સંસ્થાને મળતાં સંસ્થાના પ્રમુખ રાજેશ ભાવસારે તેના સ્ટાફના કાર્યકર્તાઓને મોકલી આપવામાં આવ્યા હતા. તેઓ ઉપરોકત બનાવના સ્થળે પહોંચતાં ટેમ્પોમાં ભરેલા ૧૫ થી ૧૭ જેટલા ગેરકાયદે મુશ્કેટાટ બાંધેલા ભૂંડો જાેવા મળ્યા હતા. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતાં સમા પોલીસ મથકની પીસીઆર વાન બનાવના સ્થળે પહોંચી હતી. જ્યાં ટેમ્પોના ડ્રાઈવર વિજય શિકલીગરને ગાડી સાથે સમા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ મથકમાં હાજર પીએસઓને કાયદેસરની ફરિયાદ નોંધાવવાની તૈયારી ચાલી રહી હતી તે જ સમયે પીઆઈ પરમારે આમાં કોઈ ગુનો બનતો નથી તેમ જણાવી વિવાદ ઊભો કરી સંસ્થાના કાર્યકર્તાઓ પાસે કાયદાની ચોપડી લઈ આવવા માટે જણાવ્યું હતું અને પીઆઈએ સંસ્થાના કાર્યકર્તાઓ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. લગભગ ચાર કલાકની ભારે રકઝક બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસના આ વર્તનથી રોષે ભરાયેલા સંસ્થાના પ્રમુખ રાજેશ ભાવસારે પીઆઈના વર્તન અંગેની ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે.