વડોદરા : શહેરમાં કોરોનાને પગલે મીની લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.છતાં પણ લોકો નાઇટ કરફ્યુની ચિંતા કર્યા વિના બિન્દાસ્ત ફરી રહ્યા છે.તેવા સમયે પોલીસ વિભાગની થોડીક નિષ્કાળજીને કારણે પોલીસની કામગીરી પર શંકા સેવાઇ રહી છે.તેવા સમયે અછોડા તોડોને નાઇટ કરફ્યુ મોકાનું મેદાન બન્યું છે.મંગળવારની રાત્રીના છાણી જકાત નાકા પાસે એકટીવા પર જઇ રહેલી મહીલાનો ગળામાંથી ૭૫ હજારની કિંમતની બે સોનાની ચેઇન તોડી બાઇક પર સવાર બે અછોડા તોડ ભાગી જતા પોલીસે તપાસ શરુ કરી છે.

જૂના છાણી રોડ પર સરદાર નગરની સામે આવેલ પિતૃછાયા એપાટમેન્ટમાં રહેતા મિતલબેન માયકલ મેકવાન ગત રાત્રીના સાડા સાતેક વાગ્યાના સુમારે તેમના બહેન હેતલની દીકરી સાથે એકટીવા પર સમા સાવલી રોડ પર આવેલ ઓરલ હોસ્પિટલમાં ગયા હતા.અને ત્યાંથી બહેનની દીકરી નિશાને ઘરે મૂકીને પોતાના ઘરે એકટીવા પર જતા હતા.ત્યારે ગોપીનાથ હોસ્પિટલ પાસે બે વ્યક્તિ ઉભા હતા.જેઓએ મિતલબેનનો પીછો કરવાનું શરુ કર્યો હતો.અને મિતલબેન છાણી જકાત નાકા પાસે આવેલ મીલીટરી બોઇઝ હોસ્ટેલ પાસે આવતા જ બાઇક પર સવારે બે વ્યકિત પૈકી પાછળ બેઠેલ વ્યક્તિએ ચાલુ બાઇક પર મિતલબેનના ગળામાં હાથ નાંખી ૭૫ હજારની કિંમતની બે સોનાની ચેઇન તોડી ભાગી ગયા હતા.આ બાઇક સવાર અછોડા તોડોએ મોઢા પર મંકી માસ્ક પહેર્યું હતું.મિતલબેને બૂમાબૂમ કરતા નજીકમાં ઉભા રહેલા ટ્રાફિક પોલીસ વિભાગના કર્મચારી દોડી આવ્યા હતા.પણ અછોડા તોડ બાઇક પૂરપાટ દોડાવી ભાગી ગયા હતા.