પાદરા- વડોદરા, તા.૧૫

પાદરા તાલુકાના ગણપતપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે કાચા મકાનમાં રહેતા આધેડ વયના શ્રમવીજી દંપતીની ગત રાત્રે ભેદી સંજાેગોમાં ધારિયાના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. હત્યા બાદ દંપતીના મૃતદેહોને ગોદડામાં લપેટીને કેનાલમાં ફેંકીને અજાણ્યા હત્યારાઓ ફરાર થયા હતા. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસના ઉચ્ચાધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને દંપતીની હત્યા લગ્નેત્તર સંબંધો, ધંધાકિય અદાવત કે કૈાટુંબીક તકરારના કારણે થઈ છે તે દિશામાં તપાસ હાથ ધરી ફરાર હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે.

પાદરા તાલુકાના ગણપતપુરા પાસેથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે કાચા મકાનમાં રહેતા ૫૫ વર્ષીય રમણભાઈ ઉર્ફ પેન્ટર ફતેસિંહ સોલંકી અને તેમના પત્ની ૫૩ વર્ષીય ધનીબેનના ચાર સંતાનો પૈકી ચારેય પુત્રીઓ પરિણીત છે અને દંપતી હાલમાં જાસપુર રોડ પર પાદરા નગર પાલિકા દ્વારા ઠાલવતા કચરામાંથી પ્લાસ્ટિક-ભંગાર વીણીને તેને વેંચવાનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતું હતું. ગત મોડી રાત્રે નર્મદા કિનાલે ત્રાટકેલા અજાણ્યા હત્યારાઓએ ભેદી સંજાેગોમાં નિંદ્રાધીન રમણભાઈ અને ધનીબેન પર ધારિયાના ઘા ઝીંકી બંનેની કરપીણ હત્યા કરી હતી અને હત્યા બાદ બંનેના મૃતદેહોને ગોદડીમાં લપેટીને નજીક આવેલી કેનાલમાં ફેંકીને હત્યારાઓ ફરાર થયા હતા. આજે સવારે કેનાલમાં ગોદડીમાં લપટાયેલી હાલતમાં દંપતીના લોહીલુહાણ હાલતમાં મૃતદેહો પડ્યા હોવાની જાણ થતાં જ ટોળેટોળે ભેગા થયા હતા.

બીજીતરફ ડબલમર્ડરની વિગતો મળતા જ ચોંકી ઉઠેલા પાદરા પોલીસ મથકના પીઆઈ એલ બી તડવી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસે પ્રાથમિક તપાસ બાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢીને તેને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

બીજીતરફ આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા કેનાલમાંથી બંને મૃતદેહજિલ્લા પોલીસ વડા રોહન આનંદ તેમજ જિલ્લા પોલીસની એજન્સીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસને તપાસ દરમિયાન હત્યામાં વપરાયેલું લોહીથી લથપથ ધારિયું મળી આવ્યું હતું જે પોલીસે કબજે કર્યું હતું.

જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે, આ ડબલ મર્ડરનો ભેદ ઉકેલવા માટે વિવિધ અલગ અલગ ટીમો બનાવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. તદુપરાંત ડોગ સ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે.

હત્યાનું કારણ જમીનની તકરાર કે કચરો વીણવાના કોન્ટ્રાક્ટ?

ભજક કિર્તનના શોખીન અને ભજન કાર્યક્રમોમાં મંજીરા વગાડતા રમણભાઈ અગાઉ વાહનોના કલરકામની મજૂરી કરતા હોઈ લોકો તેમને રમણ પેન્ટરના નામે ઓળખતા હતા. પોલીસને એવી પણ વિગતો સાંપડી છે કે દંપતીની જે સ્થળે હત્યા થઈ છે તે અને આસપાસની બે ગુંઠા જમીન રમણભાઈએ તાજેતરમાં વેંચાણે લીધી હતી. આ ઉપરાંત પાદરા નગર પાલિકાએ કચરામાંથી ભંગાર વિણવાનો પહેલા અન્ય વ્યકિતને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને ત્યારબાદ રમણભાઈને કચરો વિણવા માટે મંજૂર આપી હતી. આ બંને પરિબળો જાેતા રમણભાઈની આસપાસના જમીન માલિકો સાથે કોઈ તકરાર હતી કે કેમ અને કચરો વિણવાના મુદ્દે કોઈ ધંધાકીય અદાવત કારણભૂત છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

રાત્રે સાડા બારની આસપસ હત્યાની શંકા

ધનીબેન સાથે ત્રીજા લગ્ન કરવા છતાં રમણભાઈ તેમની ચારેય પુત્રીઓ સાથે સતત સંપર્કમાં રહેતા અને પુત્રીઓના ઘરે અવરજવર કરતા હતા. ગઈ કાલે પણ તે પુત્રીના ઘરે ગયા હતા અને રાત્રે અગિયાર વાગે ઘરે પરત ફર્યા હતા. દંપતીના પોસ્ટમોર્ટમમાં આશરે રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં હત્યા કરાઈ હોવાની પ્રાથમિક વિગતો મળતા હત્યારાઓએ દંપતીની રેકી કરી તેઓની રાહ જાેઈને નજીક છુપાઈ રહ્યા હોવાની અને દંપતી રાત્રે ઘરની બહાર ઉંઘતા જ તેઓની નિંદ્રાધીન અવસ્થામાં હત્યા કરાઈ હોવાની પણ શંકા છે.

દંપતીનો પાલતું કૂતરો રાત્રે ભસ્યો કેમ નહીં?

દંપતી નર્મદા કેનાલ પાસે અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોઈ તેઓએ એક દેશી કૂતરો પાળ્યો હતો. જાેકે, ગઈ કાલે રાત્રે દંપતીની હત્યા થઈ તે સમયે તેઓના પાળતું કૂતરાનો ભસવાનો અવાજ આવ્યો ન હતો તેમ નજીક રહેતા ભરવાડોએ જણાવતા હત્યારાઓ શું દંપતી અને તેઓના પાળતું કૂતરાથી પરિચિત હતા? તે મુદ્દે પણ તર્કવિતર્ક સર્જાયા છે.