મુંબઇ-

વૉટ્‌સએપ ગ્રુપમાં કોઇ સભ્ય વાંધાજનક પોસ્ટ કરે તો તેની માટે તે ગ્રુપનો એડમિન જવાબદાર નથી, એમ જણાવતા મુંબઈ હાઇ કોર્ટે ૩૩ વર્ષીય વ્યક્તિ સામે કરાયેલા જાતીય સતામણીના કેસને રદ કર્યો હતો. આ અંગેનો આદેશ કોર્ટે ગયા મહિને આપ્યો હતો અને તેની નકલ ૨૨મી એપ્રિલે ઉપલબ્ધ થઇ હતી.

કોર્ટે નોંધ્યું હતું કે વૉટ્‌સએપ ગ્રુપના એડમિન પાસે સભ્યોને એડ કરવા અથવા ડિલિટ કરવા જેવા મર્યાદિત અધિકાર હોય છે, પરંતુ સભ્યો દ્વારા ગ્રુપમાં કરવામાં આવતી પોસ્ટ પર નિયંત્રણ રાખવાનો અથવા તેને સેન્સર કરવાનો અધિકાર હોતો નથી.વૉટ્‌સએપ ગ્રપનો એડમિન કિશોર તારોને (૩૩) કરાયેલી અરજી પર કોર્ટે ઉક્ત આદેશ આપ્યો હતો. તારોને સામે વિવિધ કલમો હેઠળ ૨૦૧૬માં ગોંદિયા જિલ્લામાં કેસ નોંધાયો હતો.

તપાસકર્તા પક્ષનું કહેવું હતું કે વૉટ્‌સએપ ગ્રુપમાં મહિલા સભ્યો સામે વપરાતી અભદ્ર ભાષા અને અન્ય વાંધાજનક પોસ્ટ કરનારા સભ્યો સામે કાર્યવાહી કરવામાં તારોને નિષ્ફળ ગયા હતા. તારોને એડમિન હોવા છતાં સંબંધિત સભ્યોને ગ્રુપમાંથી કાઢી મૂક્યા પણ નહોતા તથા તેમને માફી માગવાનું પણ કહ્યું નહોતું.કોર્ટે તેમના આદેશમાં કહ્યું હતું કે વૉટ્‌સએપ ગ્રુપમાં સભ્યો દ્વારા કરાતી વાંધાજનક પોસ્ટ માટે એડમિનને જવાબદાર ઠરાવી શકાય નહીં, કારણ કે તેની પાસે સભ્યોને એડ અથવા ડિલિટ કરવા જેવા મર્યાદિત અધિકાર જ હોય છે. એક ગ્રુપના એક અથવા વધુ લોકો એડમિન હોય છે. ગ્રુપમાં જે પોસ્ટ કરવામાં આવે છે તેને નિયંત્રણમાં રાખવા અથવા સેન્સર કરવાની સત્તા તેના હાથમાં હોતી નથી. તેમ છતાં જે તે વ્યક્તિ વાંધાજનક પોસ્ટ કરે તેને કાયદા હેઠળ જવાબદાર ઠરાવી શકાય છે, એમ કોર્ટે જણાવ્યું હતું.