અમદાવાદ વડોદરા, તા.૧૫

અગોરાના બિલ્ડર આશિષ શાહે મોર્ગેજ કરેલી પ્રોપર્ટીના ખોટા દસ્તાવેજાે રજૂ કરીને તેના આધારે એલઆઈસીમાંથી રૂા.૪૦૧ કરોડની લોન મેળવ્યાનો આક્ષેપ પૂર્વ ધારાસભ્ય અને પર્યાવરણવાદી કનુભાઈ કલસરિયાએ કર્યો હતો. આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી છે.

અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા સાથે તેજસ પટેલ અને એડ્‌વોકેટ શૈલેષ અમીન ઉપસ્થિત રહ્યા હતા. આ સંદર્ભે કનુભાઈ કલસરિયાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે શ્રી બાલાજી અગોરા ગ્રૂપના બિલ્ડર આશિષ શાહ અને તેમની ડાયરેકટર પત્ની બિનીતા શાહ અને અન્ય ડાયરેકટર તથા પરિવારજનો એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ લિ. કંપની પાસેથી ૪૦૧.૭૦ કરોડની લોન મંજૂર કરાવી, એ લોન સંબંધે સબ રજિસ્ટ્રાર ઓફિસ વડોદરા-૭ (છાણી)ની કચેરીમાં રજિસ્ટર દસ્તાવેજ નં. ૨૩૮૫ તા.૧૯-૪-૨૦૧૮ના રોજ મોર્ગેજ ડીડ નોંધાવી, જે મોર્ગેજ ડીડમાં સિકયોરિટી તરીકે જે મિલકત મોર્ગેજ કરેલ છે જેમાં મોજે-વડોદરાના અગોરા સિટી સેન્ટરની મિલકતો તથા મોજે - મહેસાણાની શ્રી બાલાનજી સ્ટેટસની મિલકતો તથા સુઘડ, તા.જિ. ગાંધીનગરની જૂના સર્વે નં. ૨૦૩ જેનો નવો રિસર્વે નં.૩૬૨ની ૧૪૬૭૦ સ્કેવર મીટરની જમીન ઉપર બાંધવામાં આવેલી અગોરા મોલની કોમર્શિયલ બાંધકામ વાળી મિલકતના જુદા જુદા નંબરની દુકાનોને ૪પ યુનિટ તરીકે દર્શાવી જેનું ૭૨૯૮૩.૫૨ સ્કેવર મીટર બાંધકામ જણાવી આ મિલકતને સિકયોરિટી તરીકે મોર્ગેજ કરી છે અને બાલાજી અગોરા મોલની મિલકત સંબંધે મુંબઈની મે. ધ લો-પોઈન્ટ નામની સોલિસીટર્સ ફર્મ દ્વારા તા.૭-૪-૨૦૧૮ના રોજ અખબારમાં પ્રસિદ્ધ કરી આ ફર્મ દ્વારા જણાવેલ સુઘડ તા.જિ. ગાંધીનગરની જૂના સર્વે નં. ૨૦૩ જેનો નવો રિસર્વે નં. ૩૬૨ની ૧૪૬૭૦ સ્કેવર મીટર જમીન ઉપર બાંધવામાં આવેલ અગોરા મોલના ૭૨૯૮૩.૫૨ સ્કેવર મીટરનું ટાઈટલ મેળવી અગોરા મોલની જુદા જુદા નંબરની દુકાનોમાં ૪૫ યુનિટ બતાવી જેનું ક્ષેત્રફળ ૭૨૯૮૩.૫૨ સ્કેવર મીટર બતાવ્યું પરંતુ ખરેખર સર્વે નં. ૨૦૩ જેનો નવો રિસર્વે નં. ૩૬૨ની ૧૪૬૭૦ સ્કેવર મીટર જમીનમાં અમદાવાદ શહેરી વિકાસ મંડળમાંથી મેળવવામાં આવેલ વિકાસ પરવાનગી મુજબ અગોરા મોલની કોમર્શિયલ મિલકતને મંજૂર થયેલ પ્લાન તથા વિકાસ પરવાનગી મુજબ ૧૬૯૯૬.૮૦ સ્કવેર મીટર બાંધકામ મંજૂર થયેલ છે અને જે મુજબ બાંધકામ પૂરંુ થતાં ઉપરોકત ક્ષેત્રફળ મુજબના બાંધકામને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા વપરાશનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે જે મુજબનું બાંધકામ હાલમાં હયાત છે.

આવી હકીકત હોવા છતાં બાલાજી અગોરા મોલના બિલ્ડર આશિષ શાહ તથા તેઓની પત્ની બિનીતા શાહ તથા કંપનીના ડાયરેકટરો અને પરિવારજનો દ્વારા એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સિયલ લિ.ના અધિકારીઓ સાથે એકબીજાના મેળાપીપણામાં છેતરપિંડી કરવાના બદઈરાદાથી ગેરકાયદેસર અને ગુનાહિત્‌ રીતે મોલના બાંધકામને ૪પ યુનિટ તરીકે દર્શાવી ૭૨૯૮૩.૫૨ સ્કવેર મીટર બાંધકામ જણાવી તે મુજબનું ગેરકાયદેસર અને ગુનાહિત ટાઈટલ મેળવી એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ લિ.માં મોર્ગેજ કભરી મસમોટું આર્થિક કૌભાંડ આચર્યાનો આક્ષેપ કર્યો હતો. એલઆઈસી જેવી સંસ્થામાં દેશની મહત્તમ જનતા કે જેની પરસેવાની કમાણીની બચતોને જીવન સુરક્ષા સારું રોકાણ કરી અને મોટો વિશ્વાસ મૂકી લેવામાં આવેલી જીવન વીમા પોલિસી અંતર્ગત તેઓની ચૂકવવાની થતી રકમોની સલામતીને જાેખમમાં મુકી દીધી છે. આ કૌભાંડ સંદર્ભે સરકાર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરી આ ફ્રોડ તથા એલઆઈસીમાં દેશભરમાં થયેલા જાહેર ન થયા હોય તેવા આર્થિક ફ્રોડ તથા ગુનાહિત કૃત્યો ઉજાગર થાય તેવી માગ કરી છે.

કાગળો પર રસ્તો મોટો બતાવી લોકોની આંખમાં ધૂળ નાખી!

સમા-મંગળ પાંડે રોડ પર બનેલા અગોરા સિટી સેન્ટર મોલના બાંધકામ માટે કાગળો પર ર૭ મીટરનો રોડ બતાવી અધિકારીઓ સાથે મેળાપીપણાથી વાસ્તવિક ૧૭ મીટરનો રોડ હોવા છતાં પરવાનગી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે પણ અનેક રજૂઆતો થઈ હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરાઈ ન હતી.

વડોદરામાં બની રહેલા અગોરા મોલમાં પણ ક્ષેત્રફળનો વિવાદ

વડોદરાના સમા-મંગલ પાંડે રોડ પર બ્રિજ પાસે બની રહેલા અગોરા સિટી મોલ સેન્ટરના સંચાલકોને જે જગ્યા આપવામાં આવી છે તે ટેન્ડરમાં દર્શાવેલ જગ્યા કરતાં વધુ જગ્યા આપવામાં આવ્યાના આક્ષેપો પણ થયા છે. જ્યારે વિશ્વામિત્રી નદીના પટમાં ગેરકાયદે દીવાલ ઊભી કરવામાં આવ્યાની રજૂઆત પણ અનેક વખત થવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.