ત્રણ ઈંચ વરસાદમાં અમદાવાદ પાણી-પાણી
19, જુન 2025 અમદાવાદ   |   1881   |  

અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ભારે વરસાદને કારણે અમદાવાદના રાજમાર્ગો પર પાણી ભરાયા હતા. જેને કારણે કેટલાય વાહન ચાલકો અટવાયા હતા. પહેલા જ વરસાદમાં અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને લીધે કેટલાક સ્થળોએ ઘૂંટણ સમાણા પાણી ભરાઈ જતા અનેક વાહનો ફસાઈ ગયા હતા.


ગુરુવારની સવારથી જ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ મન મુકીને વરસ્યો હતો. ભારે વરસાદને કારણે રાજમાર્ગો પર પાણી ભરાઈ જતા નાકરી-ધંધા પર જઈ રહેલા લોકો અટવાઈ પડ્યાં હતા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદની ભારે અસર જોવા મળી હતી.


પૂર્વમાં આવેલા મેમકો, નિકોલ, નરોડા, કોતરપુર, એરપોર્ટ, સરદારનગર, વટવા, મણીનગર, ઈસનપુર, લાંભા, નારોલ, કઠવાડા જેવા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે પશ્ચિમ વિસ્તારના અખબારનગર, નવરંગપુરા, નારણપુરામાં પણ કેટલાક સ્થળોએ પાણી ભરાઈ જતા લોકો અટવાયા હતા.


અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો. પશ્ચિમ ઝોનમાં ૨.૭૧ ઈંચ, દક્ષિણ-પશ્ચિ ઝોનમાં સરેરાશ ૧.૮૭ ઈચ, મધ્ય ઝોનમાં ૩.૧૬ ઊંચ અને ઉત્તર ઝોનમાં ૩.૦૯ ઈંચ વરસાદ વરક્યો હતો.


ગાંધીનગરમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જેની સીધી અસર અમદાવાદ-ગાંધીનગર રોડ પર જોવા મળી હતી. માત્ર ત્રણ ઈંચ વરસાદમાં અમદાવાદમાં પાણી-પાણી થઈ જતા કોર્પોરેશનની પ્રિ-મોનસુન કામગીરી પર સવાલો ઉપસ્થિત થયા હતા. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution