નવી દિલ્હી 

ભારતીય વિકેટકિપર અને બેટ્સમેન પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે છેલ્લે ભારત માટે 2018 માં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચ રમી હતી. પાર્થિવ બુધવારે નિવૃત્તિ જાહેર કરી અને તેની સાથે 2003 નો વર્લ્ડ કપ રમનાર ભારતીય ટીમમાંથી નિવૃત્તિ લેનાર વધુ એક ખેલાડી બન્યો છે. 2003નો વર્લ્ડ કપ રમનાર ટીમમાંથી હવે એક જ ખેલાડી બાકી છે જેણ હજુ નિવૃત્તિ લીધી નથી. આ ખેલાડી છે હરભજન સિંહ. 2003 ના વર્લ્ડ કપમાં હરભજન સિંહ ભારત માટે સૌથી મહત્વનો બોલર સાબિત થયો હતો. તેણે 10 મેચમાં 11 વિકેટ ઝડપી હતી. જો કે તે લાંબા સમયથી ભારત માટે રમ્યો નથી અને હવે તેની રમવાની સંભાવના લગભગ ખતમ થઈ ગઈ છે.

હરભજન છેલ્લે 2016 માં યુએઈ સામે ટી -20 મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો હતો. તેણે છેલ્લે 2015 માં વન ડે અને ટેસ્ટ મેચ પણ રમી હતી. આ ભારતીય સ્ટાર બોલરે 103 ટેસ્ટ, 236 વનડે અને 28 ટી 20 મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે ટેસ્ટ મેચમાં 417 વિકેટ, 269 વિકેટ વનડેમાં અને 25 વિકેટ ટી-20માં ઝડપી છે. 

હરભજન સિંહે આ દરમિયાન કોમેન્ટ્રી પણ કરી છે અને આઈપીએલમાં પણ રમવાનું ચાલુ રાખ્યું છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સનું પણ પ્રતિનિધિત્વ કર્યું હતું અને 2018 થી તે ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી રમે છે. જોકે તેણે કોરોના વાયરસના કારણે આઈપીએલની 13 મી સીઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. 

હરભજન સિવાય તમામ ખેલાડીઓ નિવૃત્ત થયા છે. તે સમયની ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલી હવે બીસીસીઆઈના પ્રમુખ બન્યા છે, જ્યારે રાહુલ દ્રવિડ હાલમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીના વડા છે. હરભજન સિંહના ભાવિ વિશે વાત કરવામાં આવે તો તે હજુ સ્પષ્ટ નથી થયું કે તે આઈપીએલની આગામી સીઝનમાં ભાગ લેશે કે નહીં.