વડોદરા-

સમગ્ર ગુજરાતભરમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જન જીવન હવે સામાન્ય થઈ રહ્યું છે. કોરોનાને કારણે બંધ થયેલા અનેક ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો હવે ધીરે ધીરે ખૂલી રહ્યાં છે. ત્યારે ગુજરાતના અનેક મંદિરોના દરવાજા ગાઈડલાઈન સાથે ખોલવામાં આવ્યા છે. ત્યારે હવે ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારીના દરવાજા પણ અમાસના દર્શન માટે ખૂલી ગયા છે.વડોદરાના ડભોઇના કરનાળી સ્થિત આવેલ કુબેર ભંડારી મંદિર ખાતે અમાસની શરૂઆત કરવામાં આવી હતી. કોરોના કાળમાં છેલ્લા 11 મહિનાથી કુબેરભંડારી ખાતે અમાસના દર્શન ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે આજથી અમાસના દર્શન શરૂ કરાતા લાખોની સંખ્યામાં ભક્તો સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાંથી કુબેર ભંડારીની એક ઝલક માટે આવી પહોંચ્યા હતા. વહેલી સવારથી જ 'જય કુબેર' ના નાદ સાથે સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હવે ટૂંક સમયમાં કોરોનાની રસી સામાન્ય માણસ સુધી પહોંચવાની છે, ત્યારે કુબેર ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્રની સાથે-સાથે અમાસના દર્શન પણ ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. આજે અમાસના દર્શન સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી જ ભક્તો કરી શકશે. કોરોનાની ગાઈડલાઈન પાળીને ભક્તોને મંદિરમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે તેવું કુબેર ભંડારી મંદિરના મહંત રજની મહારાજે જણાવ્યું હતું.