વોશ્ગિટંન-

આખી દુનિયા કોરોના વાયરસથી પરેશાન છે અને દરેક દેશ તેની રસી શોધી રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત એવો દાવો કરી રહ્યા છે કે તેમના દેશમાં સૌથી પહેલાં રસી તૈયાર થઈ જશે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે રસી ઓક્ટોબર સુધીમાં માન્ય કરવામાં આવશે, ત્યારબાદ તે જાન્યુઆરીથી તેનો ઉપયોગ શરૂ કરશે. આ માટે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા એક યોજના પણ રજૂ કરી દીધી છે કે લોકોને કેવી રીતે રસી આપવામાં આવશે.

વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ટ્રમ્પે જાહેરાત કરી કે કોરોના વાયરસની રસી બધા અમેરિકનોને વિના મૂલ્યે આપવામાં આવશે. જેના માટે જાન્યુઆરીથી ગ્રાઉન્ડ લેવલ પર કામ શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત રાષ્ટ્રીય આરોગ્ય વિભાગ તમામ રાજ્યો સાથે મળીને તેને નાની હોસ્પિટલો સુધી પહોંચાડવાનું કામ કરશે.

ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્લાન મુજબ જાન્યુઆરી બાદ શરૂઆતના થોડાંક સમય માટે રસી નિશ્ચિત માત્રામાં આપવામાં આવશે. પરંતુ ત્યારબાદ તેને વધારી દેવામાં આવશે. દર્દીને રસીના બે ડોઝ આપવામાં આવશે, જે 21 થી 28 દિવસના તફાવતમાં અપાશે, બંને ડોઝ રસી બનાવતી એક જ કંપનીમાંથી હશે.

ડોઝ મળ્યા બાદ ૨૪ કલાકમાં તે દર્દી પર તેની અસર દેખાવાનું શરૂ થશે. વ્હાઇટ હાઉસ દ્વારા ઘોષણા કરવામાં આવ્યી છે કે આ વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્લાન હશે, તેના અંતર્ગત આટલી મોટી માત્રામાં રસી આપવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રસી ઓક્ટોબર સુધીમાં માન્ય કરી દેવામાં આવશે.

સાથો સાથ તેમણે તેમના વિરોધીઓ પર પણ નિશાન સાંધતા કહ્યું કે જૉ બિડેન જેવા લોકોએ રસી વિરોધી અભિયાન ચલાવવું જાેઈએ નહીં. માસ્ક થોડા સમય માટે કામ કરે છે પરંતુ કોરોના રસીથી ભાગી જશે. યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે એકવાર રસીની મંજુરી મળ્યા બાદ દેશના મોટા ઉદ્યોગપતિઓ અને રસી ઉત્પાદકો આ કામમાં સામેલ થઈ જશે.