અમદાવાદ-

દેશભરમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા દિવસે ને દિવસે વધી છે. કોરોના મહામારી વચ્ચે પહેલી સપ્ટેમ્બરથી દેશમાં અનલોક 5.0ની પ્રક્રીયા સાથે શહેરમાં પરિસ્થિતિ સામાન્ય બનતી જઈ રહી છે. આ પરિસ્થિતિમાં મ્યુનિ.તંત્રનું અર્થતંત્ર પણ સ્થિરતા તરફ આગળ વધતુ હોય એમ પહેલી ઓકટોબર સુધીમાં મ્યુનિ.ને તમામ ટેકસની આવક પેટે કુલ રૂ.659.62 કરોડ કરપેટે મળ્યા છે.

મળતી માહિતી મુજબ પહેલી એપ્રિલ-2020 થી પહેલી ઓકટોબર સુધીમાં મિલ્કતવેરા પેટે કુલ રૂ.552.79 કરોડ જેટલી આવક તંત્રને થઈ છે. ગત વર્ષે પહેલી એપ્રિલથી પહેલી ઓકટોબર સુધીમાં મ્યુનિ.ને પ્રોફેશનલ ટેકસની આવક રૂ.101.92 કરોડ થઈ હતી. જેની તુલનામાં આ વર્ષે કુલ રૂ.82.01 કરોડ થઈ છે. વર્ષ-2019માં આ સમયગાળામાં વ્હીકલ ટેકસની આવક કુલ રૂ.38.69 કરોડ થઈ હતી. જેની તુલનામાં આ વર્ષે કુલ રૂ.24.82 કરોડ થવા પામી છે. 

ગત વર્ષે પહેલી એપ્રિલથી પહેલી ઓકટોબર સુધીમાં તમામ ટેકસની કુલ આવક રૂ.818.87 કરોડ થઈ હતી. જેની તુલનામાં આ વર્ષે આ સમયગાળામાં આવક કુલ રૂ.659.62 કરોડ થવા પામી છે. જે ગત વર્ષની તુલનામાં કુલ રૂ.159.25 કરોડ ઓછી છે. પરંતુ તંત્રનુ કહેવુ છે કે, નવા વર્ષના બીલોની વહેંચણી શરૂ થઈ ગઈ હોવાથી આવકમાં હજુ વધારો થશે. દર વર્ષની જેમ આ વર્ષે પશ્ચિમઝોનના વિસ્તારોમાંથી મિલ્કતવેરા પેટે રૂ.153.51 કરોડની આવક થઈ છે. જયારે ઉત્તર-પશ્ચિમઝોનના વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ રૂ.102.38 કરોડની આવક થઈ છે.