ગાંધીનગર કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તા.૧૨ ફેબ્રુઆરીના રોજ ગુજરાત આવી રહ્યા છે. કેન્દ્રિય મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ આવતીકાલે એએમસી દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ સાંજે ગાંધીનગર પ્રીમિયર લીગનું ઉદઘાટન પણ કરશે.લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેના અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તા. ૧૨ ફેબ્રુઆરીના રોજ વિવિધ વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. જેના અંતર્ગત અમિત શાહ સવારે ૧૦ કલાકે થલતેજ વોર્ડમાં એએમસી દ્વારા નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ સવારે ૧૦-૩૦ કલાકે ઝૂપડપટ્ટી પુનર્વસન યોજના અંતર્ગત એએમસી દ્વારા નવનિર્મિત ઇડબલ્યુએસના ૫૮૮ આવાસોનું લોકાર્પણ કેન્દ્રિય મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે.જ્યારે અમિત શાહ સવારે ૧૦-૪૫ કલાકે અમદાવાદ મ્યુ. સ્કૂલ બોર્ડ દ્વારા નવનિર્મિત વાડજ શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને લોકાર્પણ કરશે. ત્યાર બાદ જૂના વાડજ ખાતે સ્વાતિક સ્કૂલ ખાતે માર્ગના નામકરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત અમિત શાહ સવારે ૧૧-૧૫ કલાકે એએમસીના વિવિધલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે જાહેરસભાને સંબોધન કરશે, ત્યાર બાદ જેતલપુર ખાતે નરનારાયણ શાસ્ત્રી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનૉલોજી, જેતલપુરના ઉદઘાટન પ્રસંગે જાહેરસભાને કેન્દ્રિય મંત્રી અમિત શાહ સંબોધન કરશે.ત્યાર બાદ સાંજે ૪-૩૦ કલાકે છારોડી ખાતે ગાંધીનગર પ્રીમિયર લીગના ઉદઘાટન સમારોહમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ઉપસ્થિત રહીને જાહેરસભાને સંબોધિત કરશે.

૨૧ દિવસ સુધી ચાલનારી પ્રીમિયર લીગમાં ૧૦૦૦થી વધુ ટીમો ભાગ લેશે

ખેલો ગાંધીનગર”ના ધ્યેય સાથે ક્રિકેટ રમત માટે ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગનો એસ.જી.વી.પી. છારોડી ખાતેથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેમાં ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં સમાવિષ્ટ સાત વિધાનસભાના નાગરિકો વચ્ચે આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે.ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં સૌથી વિશાળ અને વ્યાપક ફલક પર યોજાનાર આ સ્પર્ધા કુલ ૧૩ મેદાનો પર સતત ૨૧ દિવસ સુધી ચાલશે. આ સ્પર્ધામાં ૧ હજારથી વધુ ટીમો અને ૧૫ હજાર વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી છે. આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ટેનિસ બોલ સાથે યોજવામાં આવશે અને તેમાં પ્રત્યેક મેચ ૧૦ ઓવરની રહેશે.