વડોદરા, તા.૧૫

શહેર નજીક આવેલ નંદેસરી જીઆઈડીસીમાં આવેલ ખાનગી કંપનીમાં ફેબ્રિકેશન તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કર્મચારીનું ઊંચાઈ પરથી નીચે પટકાતાં ઓનડયૂટી પર તેમનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું.

આ અંગે મળતી વિગત અનુસાર શહેર નજીક આવેલ નંદેસરી ગ્રામ પંચાયત કચેરી પાસે સુરેશ હઠીસિંહ પરમાર (ઉં.વ.પ૦) તેના પરિવાર સાથે રહેતા હતા. તેઓ નંદેસરી જીઆઈડીસીમાં આવેલ પાનોલી એન્ટરપ્રિન્યોર નામની કંપનીમાં કોન્ટ્રાકટ પર ફેબ્રિકેશન તરીકે નોકરી કરતા હતા. તેઓ આજે કંપનીના મેઈન પ્લાન્ટમાં ઊંચાઈ પર ફેબ્રિકેશનનું કામકાજ કરતા હતા એ દરમિયાન તેઓ કોઈ કારણોસર નીચે પટકાયા હતા, જેમાં તેમને ગંભીર ઈજાઓ થવાને કારણે શહેરની છાણી રોડ પર આવેલ શ્રીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

 આ બનાવની જાણ નંદેસરી પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસે મૃતદેહને પોસ્ટમ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો. મૃતક સુરેશભાઈ પરમાર કંપનીમાં વર્મા નામના કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓએ સેફટીના સાધનો વગર જ કામ કરાવવામાં આવતું હોવાના આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત બે દિવસ અગાઉ પણ કંપનીમાં બે કર્મચારીઓને ઈજાઓ થવાનો બનાવ બન્યો હતો. કારીગરો પોતાના જીવના જાેખમે કામ કરતા હોવાથી તેઓ અસલામતી અનુભવી રહ્યા છે અને ભય સતાવી રહ્યો છે. જેથી કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા સેફટીના સાધનોની સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી કર્મચારીઓમાં માગ ઊઠી છે.