અબુ ધાબી

ભારતના અનુભવી રેસર સીએસ સંતોષને સાઉદી અરબમાં ચાલી રહેલી ડકાર રેલી દરમિયાન જીવલેણ અકસ્માતનો સામનો કરવો પડયો છે અને તેને દવા આપીને કોમામાં ચાલ્યો ગયો છે. તેને એર એમ્બુલન્સ દ્વારા રિયાધની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. વિશ્વની સૌથી મોટી રેલીમાંથી એકમાં હીરો મોટોસ્પોર્ટ્સ ટીમનું પ્રતિનિધિત્વ કરનાર ૩૭ વર્ષીય સંતોષની બાઇક બુધવારે દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી અને તેને ૨૪ કલાક નિરીક્ષણમાં રાખવામાં આવ્યો છે. 

ડકાર રેલીના ચોથા તબક્કામાં સંતોષ જીવલેણ અકસ્માતનો ભોગ બન્યો હતો. અહેવાલના અનુસાર જ્યારે તબીબોની ટીમ અકસ્માતના સ્થળે પહોંચી ત્યારે તે ભાનમાં હતો અને ત્યારબાદ તેને રિયાદ લઇ જવામાં આવ્યો હતો. આ ઘટના ચોથા તબક્કામાં જ થઇ છે જેમાં ગયા વર્ષે ટીમના રાઇડર પાઉલો ગોન્ઝાલેઝનું ડકાર ૨૦૨૦ રેલીમાં ભાગ લેતી વખતે નિધન થયું હતું. આ બનાવ બાદ તેની ટીમ રેસમાંથી ખસી ગઇ હતી. 

સાતમી વખત ડકાર રેલીમાં ભાગ લઇ રહેલા સંતોષને ચોથા તબક્કાના લગભગ ૧૩૫ કીલોમીટર દરમિયાન દુર્ઘટનાનો સામનો કરવો પડયો હતો. સંતોષને ૨૦૧૩ની અબુધાબી ડેઝર્ટ ચેલેન્જમાં પણ અકસ્માત નડયો હતો. તે સમયે તેની સુઝૂકી એમએક્સ-૪૫૦ એક્સ બાઇકમાં આગ લાગતાં તેના ગળાની આસપાસનો ભાગ બળી ગયો હતો.