પાવી જેતપુર


પાવીજેતપુર તાલુકાના ઘુટણવડ ગામે ઘર આંગણે સુતેલી વૃદ્ધ મહિલાને આદમખોર દીપડો ઉપાડી જઇ ઝાડીમાં ઢસડી જઈ હુમલો કરતા કરૂણ મોત થવા પામ્યું છે જેનાથી સમગ્ર ઘુટણવડ પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.

પાવીજેતપુર તાલુકાના ઘુટણવડ ગામે રાત્રિના એક દોઢ વાગ્યાના અરસામાં હોળી ફળિયામાં ઇશ્વરભાઇ સોમાભાઈ રાઠવાના ઘર આંગણે અડારી નીચે ઓટલા ઉપર સુતેલ ૭૨ વર્ષના વૃદ્ધ મહિલા બુધીબેન ભગાભાઈ રાઠવાને જંગલ વિસ્તારમાંથી આદમખોર દીપડો આવીને ત્રાટક્યો હતો અને બુદ્ધિબેનને ખેંચી જઈ ઘરની આગળ રોડ હોય તે આરસીસી રોડ ક્રોસ કરી ઝાડી વિસ્તારમાં ખેંચી જતા ગંભીર રીતે ઘવાયેલ અને લોહીલુહાણ થયેલ રાઠવા બુધીબેનનું કમકમાટીભર્યું કરૂણ મોત થયું હતું. આ ઘટનાની જાણ ગામલોકોએ વન વિભાગને કરતા રાત્રિના વનવિભાગની ટીમ ઘુટણવડ મુકામે સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. જે તે સમયે બોડી મળી ન હતી જેમ અજવાળું થતાં છ વાગ્યાની આસપાસ ઝાડીમાંથી વૃદ્ધ મહિલા બુધિબેનની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. જે અંગે વન વિભાગના અધિકારીઓએ કાગળ કરી આગળની કાર્યવાહી કરી છે.બુધિબેન રાઠવાના પતિ ગત વર્ષે મૃત્યુ પામ્યા હોય, તેઓને કોઈ વારસદાર ન હોય, તેઓનું ઝૂંપડું, કાચું મકાન વરસાદમાં પડી ગયું હોય તેથી તેઓ ઘુટણવડના હોળી ફળિયામાં રહેતા ઇશ્વરભાઇ સોમાભાઈ રાઠવાને ત્યાં આસરો લીધો હતો અને રાત્રીના ત્યાં જ રોકાણ કરતા હતા. રાત્રે બહાર સુતા હતાં તે સમયે આદમખોર દીપડો ત્રાટકી તેઓને ઝાડીમાં ખેંચી લઇ જઇ હુમલો કરતાં તેઓનું કમકમાટીભર્યું મોત થવા પામ્યું છે. થોડાક દિવસો પહેલા જ ઘુટણવડ ની નજીક આવેલ ઉમરવા ગામે આદમખોર દીપડાએ પાંચ વર્ષના વંશ રાઠવા ઉપર હુમલો કરતાં તેનું પણ કરુણ મોત નીપજયું હતું.

ડી.એફ.ઓ નિલેશ પંડ્યા ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે માનવ ભક્ષી થઈ ગયેલા દીપડાને પાંજરે પૂરવા માટે આજે સાત જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા છે. તેમજ ઘુટણવડથી ત્રણ કિલોમીટર જેટલા અંતરે આવેલ ઉમરવામાં પણ પાંચ પાંજરા મૂકી દીપડાને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે ૭ પાંજરામાં આદમખોર દીપડો ઝબ્બે નહીં થાય તો બીજા ત્રણ થી પાંચ પાંજરા વધારીને પણ આ દીપડાને પકડવાનો પ્રયત્ન કરી આદમખોર દીપડાના ભયથી મુક્તિ અપાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.જ્યારે બે મહિના પહેલા ઘૂંટણવડમાં ડુંગરની તળેટીમાં એક વૃદ્ધ ઉપર ધોળે દિવસે હુમલો કરતા ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે તે દિપડાને પકડવા માટે પીંજરું ગોઠવ્યું હતું પણ એક ઝાડીમાં દીપડો ઘવાયેલ હાલતમાં જોવા મળતા તેને પકડવા પીંજરું મુકાયુ હતું પણ તે દીપડો પકડાય તે પહેલાં જ મૃત્યુ પામ્યો હતો. ત્યારે વન વિભાગે તે દિપડા નું મૃત્યુ બે દીપડા વચ્ચેની લડાઈમાં થઈ હોવાનું જણાવ્યું હતું. એટલે સવાલ એ થાય છે કે આ બન્ને દિપદાળમખોર બન્યા હતા તેમાનો એક મૃત્યુ પામ્યો છે અને બીજો આદમખોર દીપડો આટલા દિવસથી ખુલ્લો ફરે છે.