ગાંધીનગર, નડાબેટના વિકાસ માટેના પ્રવાસન વિભાગના એક ટેન્ડરે વધુ એક વાર વિવાદ ઊભો કર્યો છે. ૩૫ કરોડ રૂપિયાના ટેન્ડરને ૭૫ કરોડના ભાવે મંજૂર કરીને લલ્લુજી એન્ડ સન્સને આપવામાં આવતા જ વિવાદ ઉઠ્‌યો છે. લલ્લુજી એન્ડ સન્સ કરતા ૩ કંપનીઓએ નીચા ભાવે ટેન્ડર ભર્યા હોવા છતાં સરકારની રહેમ નજર હેઠળ લલ્લુજી એન્ડ સન્સને ટેન્ડર આપવામાં આવ્યું છે. લલ્લુજી એન્ડ સન્સ કચ્છમાં રણોત્સવથી લઈને કેવડિયામાં ટેન્ટ સિટીનો પણ વિવાદ ચર્ચામાં રહ્યો છે. કેવડિયામાં જમીન પચાવી પાડવા મામલે લલ્લુજી એન્ડ સન્સ પર વન વિભાગે નોટિસ ફટકારવા સાથે ૧ લાખનો દંડ પણ ફટકાર્યો હતો તેમ છતાં ફરી એકવાર સરકારમાં ગોઠવણનો લાભ લઈને વધુ એક ટેન્ડર બમણા ભાવે અપાયું છે. મુખ્યમંત્રી રૂપાણીએ વર્ષ ૨૦૧૮-૧૯ માં નડાબેટને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે ૩૫ કરોડથી વધુના ખર્ચની જાહેરાત કરી હતી. ગત ફેબ્રુઆરીમાં પ્રવાસન વિભાગે ટેન્ડર બહાર પાડ્યું હતું. જેમાં ૩૫ કરોડના અંદાજિત ખર્ચે નડાબેટમાં પ્રવાસન સુવિધાઓ વિકાસાવવા માટે અરજીઓ મંગાવાઈ હતી. જેમાં ૪ કંપનીઓ ક્વોલિફાઈ થઈ હતી. તેમણે લલ્લુજી એન્ડ સન્સ કરતા નીચા ભાવે ટેન્ડર ભર્યા હતા. ગત સપ્તાહે પ્રવાસન વિભાગે તમામ ૪ કંપનીનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. જેમાં માર્કીંગ સિસ્ટમનો ઉપયોગ કરીને લલ્લુજી એન્ડ સન્સ પર પસંદગી ઉતારી હતી. સામાન્ય રીતે કોઈપણ ટેન્ડર પ્રક્રિયામાં વિવાદિત કંપનીઓને ટેન્ડર માટે ક્વોલિફાઈ કરવામાં નથી આવતી. પણ લલ્લુજી એન્ડ સન્સ સાથે વિવાદોનો નાતો હોવા છતાં વધુ એકવાર સરકારે પસંદગી ઉતારી છે.આ વિવાદો બાદ સરકાર અને પ્રવાસને વિભાગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી ત્યારે આ અંગે કોઈ પગલાં ભરે છે કે કેમ એ જાેવું રહ્યું.