ગાંધીનગર -

મુખ્યમંત્રી બાળ સેવા યોજનામાં અનાથ-નિરાધાર બાળકોને અગાઉ 18 વર્ષની વય સુધી દર મહિને 4,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, જો કે એ બાદ આ વયમર્યાદા વધારીને 21 વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી માતા પિતા બન્નેને ગુમાવનાર બાળકને આ સહાય મળતી હતી, પરંતુ હવે એક વાલી ગુમાવનાર બાળકને પણ આ સહાય આપવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનામાં અનેક બાળકોને માતા કે પિતા ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે આકસ્મિક રીતે નિરાધાર થવાથી તેમના ભવિષ્યનો પણ પ્રશ્ન સર્જાયો છે. જે જોતા સરકારે બાળકોની આ ચિંતાને ધ્યાનમાં રાખી એક વાલી વાળા બાળકોને માસિક 2,000 રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સહાયની રકમ 2 ઓગસ્ટના રોજ ઓનલાઇન ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ચૂકવવાની યોજના લોન્ચ કરવામાં આવશે. રૂપાણી સરકારનો આ મહત્વનો નિર્ણય બાળકોના સંદર્ભમાં લેવાયો છે. કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને સહાય મળવી જોઈએ, તે વાત સામે આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનામાં જેમણે પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે, એટલે કે કોરોનાથી માતા-પિતા બન્નેનું અવસાન થયું છે, તેવા બાળકોને અત્યાર સુધી સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવેથી મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને પણ સહાય અપાશે.