અરવલ્લી : ખેડૂતોના કૃષિ બીલ વિરોધના આંદોલનને સમગ્ર દેશમાં સમર્થન મળી રહ્યું છે. જેમાં ખેડૂતો આંદોલનમાં મોટું આર્થિક નુકસાન પણ વેઠી રહ્યાં છે દેશના ખેડૂતો તેમ છતાં પણ આંદોલનને સફળ બનાવવા ઠંડીનો સામનો કરીને પણ કોઈપણ ભોગે કૃષિબીલ રદ કરવા કમર કસી છે. ત્યારે ગુજરાતમાં ખેડૂતોના ભારત બંધ ના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. પરંતુ આ દરમિયાન આજે રાજ્યના કેટલાક જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરોએ રોડ પર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો છે. રાજ્ય સરકારે તમામ સેવાઓ ચાલુ રાખવાની સાથે બળજબરીથી બંધ કરાવનારા સામે આકરા પગલાની જાહેરાત કરી હોઈ પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે. 

તે છતા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોએ આગજની કરી છે. અરવલ્લીમાં ખેડૂતોના સમર્થનમાં ભારત બંધને ટેકો આપવામાં આવ્યો છે. ત્યારે અરવલ્લીમા હાઇવે પર ટાયરો સળગાવ્યા હતા. ખેડૂતો દ્વારા ગાજણ ટોલનાકા પાસે ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેના કારણે રોડ પર વાહનોની લાંબી લાઇનો લાગી હતી અને ટ્રાફિકજામ સર્જાયો હતો. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. અહિં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભેગા થયા હતા. અને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યાં જ અમદાવાદ-ઈન્દોર હાઈવે પર પણ ટાયરો સળગાવ્યા હતા. કઠલાલ પાસે કોંગ્રેસ કાર્યકરોએ ટાયરો સળગાવી રસ્તો બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારત બંધના એલાનને લઈ કોંગ્રેસ પ્રદર્શન કર્યું હતું. અમદાવાદ ઇન્દોર હાઇવે પર કઠલાલ પાસે હાઇવે બ્લોક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન થોડા સમય માટે હાઇવે પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને કોંગી કાર્યકરોની અટકાયત કરી રસ્તો ખાલી કરાવ્યો હતો.