વડોદરા : વડોદરા શહેરના દિવાળીપુરા રોડ સ્થિત ન્યાય મંદિર કોર્ટની કોર્ટરૂમમાં ભરણ પોષણના કેસથી કંટાળી ગયેલા ૪૭ વર્ષિય વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી ગયો હતો. કોર્ટરૂમમાં દવાની અસરથી ઢળી પડતાં ભાગદોડ મચી ગઇ હતી અને સારવાર માટે ૧૦૮ દ્વારા ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક હોવાનું તબિબ સુત્રોએ જણાવ્યું છે.

આ બનાવની પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત વિગત એવી છે કે, ગોત્રી રોડ વિસ્તારમાં આવેલ નવતર રેસીડન્સીમાં ગોવિંદભાઇ દિનેશભાઇ ઠાકોર (ઉ.૪૭) સાથે તેની પત્નીએ ભરણ પોષણનો કેસ કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા કોર્ટ કેસની મુદ્દતમાં હાજર રહેતો હતો. એટલું જ નહીં કોર્ટના હુકમ પ્રમાણે પત્નીને ભરણ પોષણના નાણા પણ ચુકવતો હતો. અગાઉ પતિ ગોવિંદભાઇએ કોર્ટમાં પત્નીને રૂા.૧.૫૦ લાખ ભરણ પોષણ પેટે ચુકવ્યા હતાં. આ ઉપરાંત એક સપ્તાહ અગાઉ પણ રૂા.૨૦ હજાર ચુકવ્યા હતાં. આ કેસમાં ગોવિંદભાઇ ભરણ પોષણના કેસમાં ૩૫ દિવસની સજા પણ થઇ હતી. તે બાદ પણ કેસ ચાલુ હતો.

આજે પણ કેસનો નિકાલ ન આવતાં પત્નીને ભરણ પોષણ રૂપિયા ચુકવીને કંટાળી ગયો હતો અને કોર્ટની વારંવાર તારીખોમાં હાજર રહી કંટાળી ગયેલ હતાં. એટલું જ નહીં પતિ ગોવિંદભાઇએ પોતાનું મકાન પણ ૨૪ લાખમાં વેંચવા માટે કાઢ્યું હતું. પરંતુ મકાન ન વેંચાતા તે માનસિક ડિપ્રેશનની સાથે કોર્ટનાં વારંવાર ધક્કાઓથી કંટાળી ગયો હતો. જેથી આજે તે કોર્ટમાં આવતાં સાથે લાવેલ ઝેરી દવા કોર્ટરૂમમાં જ ગોવિંદભાઇ ઠાકોર અસીલે ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કોર્ટરૂમમાં જ અસીલે આપઘાતની કોશિષ કરવાના બનાવને પગલે કોર્ટર-મમાં ભાગદોડ મચી જવા પામી હતી. અને તેને અદ્ય બેભાન જેવી હાલતમાં સારવાર માટે ૧૦૮ દ્વારા ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક હોવાનું તબિબ સુત્રોએ જણાવ્યું હતું.

દિવાળીપુરા સ્થિત કોર્ટમાં આપઘાતના પ્રયાસનો બનાવ બનતાં ચિંતાનો વિષય

વડોદરા શહેરનાં દિવાળીપુરા રોડ સ્થિત નવી કોર્ટમાં આ અગાઉ પણ મિલ્કત મામલે ચાલી રહેલા કેસનો નિકાલ ન આવવાથી વાઘોડિયા રોડ ખાતે રહેતાં એક વ્યક્તિએ કોર્ટ ગેલેરીના બાથરૂમમાં પેટ્રોલ છાંટીને સળગીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ આજે કોર્ટમાં આપઘાતના પ્રયાસનો બીજાે બનાવ બનતાં જિલ્લાના ચીફ જસ્ટીસ માટે ચિંતાનો વિષય બન્યો છે.