નવી દિલ્હી 

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડી સ્ટીવ વૉએ ભારતમાં ક્રિકેટ પ્રત્યેના પ્રેમને કેમેરામાં કેદ કર્યો છે. જેમાં હિમાલયમાં બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા ક્રિકેટ રમવાનું હોય કે પછી દિવ્યાંગ ખેલાડી દ્વારા બોલ પકડવા માટે નિન્જા વોરિયર્સની જેમ હવામાં તરવાનું હોય. સ્ટીવ વોને ભારતમાં ક્રિકેટ જિંદગી જીવવાની એક રીત લાગી છે. ઓસીના પૂર્વ કેપ્ટને સમુદ્ર કિનારાથી માંડીને રણ અને પર્વતો પર પણ લોકોને દિલથી ક્રિકેટ રમતા જોયા છે. મુંબઈના આઝાદ મેદાનમાં રમતા યુવાનોએ પણ વૉને પ્રભાવિત કર્યા છે.

સ્ટીવે મેદાન અંગે કહ્યું કે, ‘એ સ્થાન ક્રિકેટ માટે જ બન્યું છે.’ વૉએ પોતાની યાત્રા દરમિયાન જે ફોટા કેમેરામાં કેદ કર્યા છે, તેને હવે પુસ્તકનું સ્વરૂપ આપ્યું છે, જેનું શિર્ષક છે ‘ધ સ્પિરિટ ઓફ ક્રિકેટ- ઈન્ડિયા’. તેણે જણાવ્યું કે, ‘ભારતે મને આજીવન ભુલી ન શકાય એવી યાદો જ નથી આપી, પરંતુ મને જિંદગી બદલવાની ક્ષણ પણ બતાવી છે. આ પુસ્તકનો ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે, ભારતમાં ક્રિકેટ ધર્મ શા માટે છે.’


વૉ મુંબઈથી માંડીને જોધપુરની ગલીઓ સુધી ફર્યો છે. તેણે કોલકાતા ઉપરાંત રણ અને હિમાલયની પણ મુલાકાત લીધી હતી. તેણે આ મુલાકાતની સાથે એક ડોક્યુમેન્ટરી પણ બનાવી છે. જેનું શીર્ષક છે ‘કેપ્ચરિંગ ક્રિકેટ’. વૉએ જણાવ્યું કે, ‘ભારત જેવા દેશમાં ક્રિકેટને ઓછું આંકવું મુશ્કેલ છે. અહીં ક્રિકેટ તેમને કંઈક ખાસ સાથે જોડવાની તક આપે છે. આ એક એવી રમત છે, જેના માટે વધુ પૈસાની જરૂર નથી. અહીં હંમેશા કહેવાય છે કે, તમારે રમવા માટે એક બેટ અને બોલ જોઈએ’.