વડોદરા, તા.૧૮

હરણી મોટનાથ લેક ઝોન ખાતે ગત તા.૧૮મી જાન્યુઆરીએ સર્જાયેલી ગોઝારી હોડી દુર્ઘટનામાં વાઘોડિયા રોડની ન્યૂ સનરાઈઝ સ્કૂલના ૧૨ માસૂમ બાળકો અને બે શિક્ષિકાઓ સહિત ૧૪નાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનાની પોલીસ ફરિયાદ સાથે રાજ્ય સરકારે મેજિસ્ટ્રેરિયલ તપાસ જિલ્લા કલેકટરને સોંપી હતી, જેનો રિપોર્ટ કલેકટરે રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જ્યારે મ્યુનિ. કમિશનરે પણ પાલિકાના ડે. કમિશનરને આંતરિક તપાસનો હુકમ કર્યો હતો. ત્યારે ડે. કમિશનરે ફ્યુચરિસ્ટિક સેલ, પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનના એન્જિનિયરિંગ વિભાગના ૬ જણને શોકોઝ નોટિસ આપી સ્પષ્ટતા કરવા કહ્યું હતું. જાે કે, તપાસમાં કેટલાક અધિકારીઓને બાકાત રખાતાં અધિકારીઓમાં નારાજગી પણ જાેવા મળી હતી.

ત્યારે હોડી દુર્ઘટનાના ર૯મા દિવસે પાલિકાતંત્રે એક્શન લતેાં ફ્યુચરિસ્ટિક સેલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં એડિશનલ આસિ. એન્જિનિયર મિતેષ માળીને ટર્મિનેટ અને ઉત્તર ઝોનના એડિશનલ આસિ. એન્જિનિયર જિગર સયાનિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જાે કે, મોટી માછલીઓના સ્થાને નાના કર્મચારીઓનો ભોગ લેવાયાની ચર્ચા વચ્ચે ખરેખર જવાબદારી કોની? ફયુચરિસ્ટિક સેલ, પૂર્વ ઝોન, ઉત્તર ઝોન કે પછી દબાણ શાખા? તેની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.

“ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આપની સાથે છીએ”

હરણી મોટનાથ હોડી દુર્ઘટનાને આજે એક મહિનો થયો છે. તયારે વોર્ડ નં. ૧પના ભાજપના કાઉન્સિલર આશિષ જાેશીએ દુર્ઘટનામાં મોતને ભેટેલા બાળકોના ઘરે જઈને પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના આપી હતી. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતીઃ જેમાં અમે તમારા માટે એક સારી બોટ વસાવી ના શક્યા તેનો અફસોસ હંમેશાં રહેશે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી વોર્ડ નં.૧પની આખી ટીમ પરિવારજનોની સાથે છે તેમ લખ્યું છે.

ન્યાયની માગ સાથે આળોટીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી

હરણી મોટનાથ લેક ઝોન ગોઝારી હોડી દુર્ઘટનાને એક મહિનાનો સમય વીતી ગયો છે તેમ છતાં મૃતકોના પરિવારજનોને ન્યાય મળ્યો નથી. આ ઘટનામાં માત્ર એક એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જ્યારે સ્કૂલને માત્ર નોટિસ આપી કોઈ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે સામાજિક કાર્યકરે હરણી લેક ઝોનના મુખ્ય ગેટથી શર્ટ કાઢીને શરીર પર ન્યાય આપો લખાવીને દુર્ઘટના સ્થળ સુધી આળોટતાં પહોંચી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ ઃ મૃતકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં

હરણી મોટનાથ લેક ઝોન ખાતે સર્જાયેલી ગોઝારી હોડી દુર્ઘટનાને આજે એક મહિનો થયો છે. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા હરણી બોટકાંડ માનવસર્જિત હોવાનું જણાવી આ ઘટનામાં જીવ ગુમાવનાર નિર્દોષ બાળકો અને શિક્ષિકાઓના પરિવારજનોને ન્યાય આપવાની માગણી સાથે હરણી લેક ઝોન ખાતે બાળકોના આત્માની શાંતિ માટે રામધૂન કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. જેમાં ગોઝારી દુર્ઘટનામાં મોતને ભેટેલા પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પી હતી. હરણી લેકઝોન ખાતે શ્રદ્ધાંજલિ આપવા ઉપસ્થિત કોંગ્રેસના અગ્રણીઓએ હોડી કાંડમાં મોતને ભેટેલા નિર્દોશ બાળકોના પરિવારજનોને ન્યાય મળે તેવી માંગણી સાથે મીણબત્તી સળગાવીને શ્રદ્ધાંજલિ અર્પિ હતી.