વડોદરા -

શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી બરોડા હાઇસ્કૂલમાં આજે શાળા સંચાલકો દ્વારા ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને એસાઈમેન્ટ જમા કરાવવા માટે બોલાવતા હોબાળો મચ્યો હતો. સ્કૂલ પાસે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભેગા થયા હોવાની જાણ થતાં પોલીસ પહોંચી ગઇ હતી. બાદ સ્કૂલની એસાઇમેન્ટ લેવાની કામગીરી બંધ કરાવવામાં આવી હતી.

 અલકાપુરી વિસ્તારમાં આવેલી લાયન્સ ક્લબ સંચાલિત બરોડા હાઇસ્કૂલના શાળા સંચાલકો તરફથી ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને એસાઈમેન્ટ જમા કરાવવા માટે આજે સ્કુલ ખાતે બોલાવવામાં આવ્યા હતા. સ્કૂલમાંથી એસાઇમેન્ટ જમા કરાવી જવા માટે વિદ્યાર્થીઓને ફોન જતાં, એક પછી એક ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલ ખાતે આવી પહોંચ્યા હતા.

વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર પહોંચતા જ સ્કૂલ સંચાલકો દ્વારા એક-બે, એક-બે વિદ્યાર્થીઓને ઓફિસમાં બોલાવી એસાઇમેન્ટ લેવાની શરૂઆત કરી હતી. સ્કૂલ પાસે એસાઇમેન્ટ જમા કરાવવા માટે આવેલા વિદ્યાર્થીઓ કોવિડ-૧૯ની ગાઇડ લાઇનની પરવા કર્યા વિના ટોળે વળીને વાતો કરી રહ્યા હતા. જે જોઈને ત્યાંથી પસાર થતાં કોઇ વ્યક્તિએ પોલીસને જાણ કરી દીધી હતી. જો આ અંગેની જાણ પોલીસને થઇ ન હોત તો સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી એસાઇમેન્ટ લેવાની કામગીરી પૂરી કરી દીધી હોત. પરંતુ, સ્કૂલ સંચાલકો તમામ વિદ્યાર્થીઓના એસાઇમેન્ટ જમા લે તે પહેલાં જ પોલીસ પહોંચી ગઇ હતી અને કામગીરી બંધ કરાવી દીધી હતી.