વડોદરા : એક તરફ કોરોનાની મહામારી તો બીજી તરફ તાઉ-તે વાવાઝોડું ત્રાટકવાની આશંકાને પગલે તંત્રે અગમચેતીના પગલાં લીધાં છે. બીજી તરફ ભરઉનાળે ચોમાસ જેવો માહોલ સર્જાયો હતો અને જાેરથી ફૂંકાયેલા પવનને કારણે ધૂળની ડમરીઓ ઊડતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે દિવસભર સૂરજદાદાના દર્શન થયા ન હતા અને પવનને કારણે ઠેર ઠેર વૃક્ષો અને હોર્ડિંગ્સો પડયા હતા. હવામાન ખાતાના જણાવ્યા મુજબ વાવાઝોડાની અસર રાત્રિના સમયે વધારે હશેની જાહેરાતને પગલે તંત્રની સાથે સાથે શહેરીજનોએ પણ સાવચેતીના પગલાં લીધાં હતાં.

તાઉ-તે વાવાઝોડાએ ગોવા, મુંબઈ થઈ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરી સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ત્યાં ભારે પવન સાથે તોફાની વરસાદને કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે. જાે કે, વડોદરા શહેરની વાત કરીએ તો હવામાન ખાતાએ કરેલી આગાહીના માર્ગમાં શહેર-જિલ્લો આવતો નથી, એટલે મોટું નુકસાન નિવારી શકાશે. પરંતુ ભારે પવન તો ફૂંકાશે એવી આગાહી હતી અને થયું પણ એવું જ હતું. ગઈકાલ સાંજથી શરૂ થયેલા પવને ધીરે ધીરે ગતિ પકડી હતી જેના પગલે ધૂળની ડમરીઓ ઊડી હતી અને ઝાડ ભયજનક રીતે હલતા હતા. ઊંચા સ્થળો ઉપર લગાવાયેલા હોર્ડિંગ્સ અને દુકાનોના બોર્ડ ઉડવાની શરૂઆત રાતથી જ થઈ ગઈ હતી. સવારે પવનની ગતિ રપ કિ.મી.ની ઝડપે ફૂંકાવાનું શરૂ થતાં જ એરપોર્ટ સાંજે છ વાગ્યા સુધી બંધ કરી દેવાયું હતું. બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા હતા. જાહેર માર્ગો સહિત હોસ્પિટલોની નજીક ઝાડ પડયા હતા એને ફાયર બ્રિગેડ વિભાગે દૂર કર્યા હતા. બીજી તરફ હોસ્પિટલોની બહાર આવેલી ઓક્સિજનની ટેન્કો અને વીજ ટ્રાન્સફોર્મર નજીક આવેલા અને જાેખમી લાગતા ઝાડને દૂર કરાયા હતા. ધૂળની ડમરીઓ ઊડતી હોવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. કેટલાક સ્થળો ઉપર નાના મોટા અકસ્માતો પણ સર્જાયા હતા. વાવાઝોડાને પગલે અગમચેતીના ભાગરૂપે સરકારી તંત્રે જુદા જુદા વિભાગોનું સંકલન કરી તંત્રને સુસજ્જ રહેવા જણાવ્યું હતું.

પાલિકાએ કામચલાઉ ધોરણે કોરોના ટેસ્ટિંગ માટે ઊભા કરેલા તંબુઓ દૂર કરી દીધા હતા. જ્યારે આરોગ્ય વિભાગે ગોત્રી અને સયાજી હોસ્પિટલ ખાતે દર્દીઓ અને સગાઓ માટે ઊભા કરાયેલા ટેમ્પરરી ડોમમાંથી દર્દીઓ અને સગાઓને વોર્ડમાં ટ્રાન્સફર કરાયા હતા. એ જ પ્રમાણે અટલાદરા સ્વામીનારાયણ મંદિર અને સમરસ હોસ્પિટલમાંથી દર્દીઓને ખસેડાયા હતા. જાે કે, આ લખાય છે ત્યારે રાત્રિના ૮.૩૦ વાગે પવન ફૂંકાતો બંધ થયો હતો. પરંતુ મોડી રાત્રે કે વહેલી સવારે વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. આમ દિવસભર વાદળછાયા વાતાવરણમાં ધૂળની ડમરીઓ અને કેટલાક સ્થળોએ વરસાદી છાંટા વચ્ચે શહેરીજનોએ દિવસ પસાર કર્યો હતો અને રાત્રિના સમયે આવનારા વાવાઝોડા માટે તૈયારીઓ કરી હતી.

વડોદરા એરપોર્ટ આજે બપોરે ૧ વાગ્યા સુધી બંધ કરાયું

વડોદરા એરપોર્ટ પર આજે સવારે એર ઈન્ડિયાની ફ્લાઈટની મૂવમેન્ટ બાદ તકેદારીના ભાગરૂપે વડોદરા એરપોર્ટ આવતિકાલે બપોરે ૧ વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યુ છે.એરપોર્ટ માત્ર ઈમરજન્સી અને રીલીફ ફ્લાઈટ્‌સ પૂરતુજ ચાલુ રહેશે. આજે બપોર થી આવતિકાલે સવાર સુધી વડોદરા એરપોર્ટ પર આવતી તમામ શીડ્યુલ ફ્લાઈટ્‌સને રદ્દ કરવામાં આવી છે.તેમ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યુ હતુ.

શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોેમાં ભારે પવન સાથે ધીમીધારે વરસાદ

તૌકતે વાવાઝોડાને પગલે શહેર-જીલ્લામાં ભારે પવન સાથે છુટાછવાયા વરસાદના જાપટાં પણ જાેવા મળી રહ્યા છે. તેમજ અનેક વિસ્તારમાં ઝાડ પડવાના હોંડીંગ્સ પડવાના પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરા જીલ્લામાં સાવલી ગામમાં વધુ વરસાદ જાેવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર સમગ્ર જીલ્લા માંથી માત્ર સાવલી માંજ ૩ એમ.એમ.જેટલો વરસાદ પડ્યો છે. બાકી વિસ્તારમાં છુટોછવાયો વરસાદ જાેવા મડ્યો હતો.હતો. જાેકે શહેરમાં ૯ વાગ્યા બાદ પુનઃ વરસાદ પડવાનું શરુ થયું હતું.