વડોદરા, તા.૫

ગુજરાત ગવર્નમેન્ટ ડોક્ટર ફોરમ દ્વારા તેઓની મંજૂર થયેલી પડતર માગણીઓ સરકાર દ્વારા તેનો અમલ કરવામાં ન આવતાં રાજ્ય સરકાર સંચાલિત હોસ્પિટલોના તબીબો સામૂહિક હડતાળ પર ઉતરી ગયા છે અને સરકારની વિલંબ નીતિનો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે. આજે તબીબો દ્વારા હડતાળનું આંદોલન બીજા દિવસે પણ યથાવત્‌ રહ્યું હતું અને

સરકારને ભગવાન સદ્‌બુદ્ધિસ્‌ આપે તે માટે રામધૂન કરી વિરોધ નોંધાવ્યો હતો.

તબીબોની સામૂહિક હડતાળના પગલે શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ તંત્ર સુકાની વગરના નાવડી જેવું બની ગયું છે, જેનો તાદૃશ કરતાં દશ્યો સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં જાેવા મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ગવર્નમેન્ટ ડોકટર્સ ફોરમ દ્વારા તેઓની ઘણા વર્ષોથી કેટલીક પડતર માગણીઓ અને સાતમા પગારપંચના લાભો મામલે અનેક વખત રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરાઈ છે. આ મામલે તબક્કાવાર આંદોલનો પણ કર્યા છે અને સરકારે હૈયાધારણ આપી હતી. તબીબો દ્વારા સરકારને યોગ્ય નિર્ણય માટે સમય આપવામાં આવ્યો હતો, તેમ છતાં રાજ્ય સરકારના હાલના નેતાઓ અને વહીવટીતંત્ર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય કે તેનો ઉકેલ ન લાવતાં તેમજ યેન કેન પ્રકારે નિર્ણયમાં વિલંબ થતાં ફરી એકવાર તબીબીઆલમમાં રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે અને રાજ્ય સરકાર સામે તબીબોએ બાંયો ચઢાવી છે અને સામૂહિક હડતાળનું રણશિંગુ ફૂંકયું છે.

બે દિવસથી સમગ્ર રાજ્યમાં તબીબો દ્વારા ચાલી રહેલી હડતાળને પગલે શહેરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને દાખલ દર્દીઓની હાલત કફોડી બની છે. શહેરની સરકારી સયાજી હોસ્પિટલની જાે વાત કરવામાં આવે તો સયાજી હોસ્પિટલની આરોગ્ય સેવાતંત્ર મેડિકલ કોન્ટ્રાક્ટના તબીબો અને જુનિયર રેસિડેન્સના હવાલે ચાલી રહ્યું છે. દર્દીઓની આરોગ્ય સેવાઓની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી દર્દીઓની સારવાર હાલના તબક્કે રામભરોસે ચાલી રહી છે. સારવાર માટે આવતાં દર્દીઓની હાલત કફોડી જાેવા મળી રહી છે અને ઓપીડીમાં ભીડ પણ જાેવા મળી રહી છે. તો કેટલાક દર્દીઓ રામભરોસે સ્ટ્રેચર પર અને વ્હીલચેર પર સારવારની રાહ જાેઈને બેઠેલા નજરે પડી રહ્યા હતા. હડતાળના મક્કમ નિર્ણય સાથે અહિંસક આંદોલન ચલાવી રહેલા તબીબોએ આજે બીજા દિવસે સરકારને ભગવાન સદ્‌બુદ્ધિ આપે તે માટે સયાજી હોસ્પિટલના કેમ્પસમાં રામધૂન કરી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.