આણંદ : આણંદ જિલ્લો તેની પશુપાલન અને અમૂલ ડેરી અને એનડીડીબીના લીધે વિશ્વ પ્રસિદ્ધ છે. આણંદ જિલ્લો પશુપાલનની સાથે ખેતી ક્ષેત્રે પણ અગ્રેસર છે. આણંદ જિલ્લો ચરોતર પ્રદેશ અને ભાલ પંથક તરીકે પ્રસિદ્ધ છે. આણંદ જિલ્લાતના ખેડૂતો ખેતી ક્ષેત્રે આધુનિક પદ્ધતિની સાથે-સાથે હવે પ્રાકૃતિક ખેતી તરફ પણ વળી રહ્યાં છે.  

જિલ્લાના ખેડૂતોને તેમનાં પાક માટે જરૂરી પાણીની સુવિધા મળી રહે તે માટે આણંદ સિંચાઇ વિભાગના કાર્યક્ષેત્રમાં આવેલાં આણંદ, બોરસદ, આંકલાવ, ઉમરેઠ અને પેટલાદ તાલુકામાં સિંચાઇ વિભાગના નેટવર્ક દ્વારા આ વિસ્તારના ખેડૂતોને સિંચાઇની સુવિધાઓ ઉપલબ્ધ બનાવીને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

આણંદ સિંચાઇ વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને છેલ્લા ત્રણ વર્ષમાં ખરીફ અને રવિ મોસમમાં સિંચાઇના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આ સુવિદા મુજબ, વર્ષ ૨૦૧૭-૧૮માં ખરીફ મોસમમાં ૯૬૩૭ અને રવિ મોસમમાં ૪૫૧૦ મળી કુલ ૧૪૧૪૭ હેકટર વિસ્તાર, વર્ષ ૨૦૧૮-૧૯માં ખરીફ મોસમમાં ૯૪૦૧ અને રવિ મોસમમાં ૫૨૨૩ મળી કુલ ૧૪૬૨૪ હેકટર વિસ્તાર અને વર્ષ ૨૦૧૯-૨૦માં ખરીફ મોસમમાં ૬૫૯૫ અને રવિ મોસમમાં ૫૪૭૭ મળી કુલ ૧૨૦૭૨ હેકટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો. આણંદ સિંચાઇ વિભાગ દ્વારા આગામી સમયમાં ખેડૂતોને સિંચાઇના પાણીનો વધુ લાભ આપી શકાય તે માટે સિંચાઇની કામગીરીને વેગ આપવા માટે છૈંમ્ઁ પ્રોજેક્ટના ભાગ-ર અંતર્ગત કુલ રર૮.૧૮ કિમી નહેરોને રૂ.૨૮૩૫.૫૧ લાખના ખર્ચે લાઇનિંગની કામગીરી પણ વર્ષ ૨૦૧૭-૧૮માં પૂર્ણ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી જળસંગ્રહ શક્તિમાં વધારો થાય અને આગામી સમયમાં પીવાના પાણી કે સિંચાઇનું પાણી પણ સમયસર મળી રહે, જળસ્તર ઊંચે આવે તે માટે સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરીને જળસંગ્રહ શક્તિમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

જિલ્લામાં સંયુક્ત રીતે કરાયેલી કામગીરી

• આણંદ જિલ્લામાં વર્ષ ૨૦૧૮માં ૧૬૬ તળાવો ઊંડા કરવામાં આવ્યા, ૪૭૯ ચેકવોલ/ચેકડેમ ડીસિલ્ટિંગ કરવાની કામગીરી કરવામાં આવી. આ ઉપરાંત ચાર નદી પુનઃજીવિત કરાઈ, ૧૪ કામો દ્વારા ૨૪૫ કિ.મી. લંબાઇમાં કેનાલની સફાઇ અને ૨૭ કામો દ્વારા ૩૪૦.૦૪ કિમી લંબાઇના પ્રાકૃતિક કાંસોની સાફ-સફાઇ કરવામાં આવી હતી.

• વર્ષ ૨૦૧૯માં ૧૬૪ તળાવો ઊંડા કરવામાં આવ્યા. ૯ ચેકવોલ/ચેકડેમ ડીસિલ્ટિંગની કામગીરી કરવામાં આવી. વિવિધ ૧૬ કામો દ્વારા ૮૫ કિમી લંબાઇમાં કેનાલની સફાઇ અને ૮૦ કામો દ્વારા ૩૬૦.૨૫ કિમી લંબાઇના પ્રાકૃતિક કાંસોની સાફ-સફાઇ કરવામાં આવી. ઉપરાંત ૨૫૪ પીવાના પાણીના સ્ત્રોતની સફાઇ, ૧૨ ગટર સાફ-સફાઇ, ૮ સ્ટ્રોવમ વોટર ડ્રેઇનની સાફ-સફાઇ, ત્રણ નહેરના એચ.આર. ગેટ અને સ્ટ્રકચરનું રીપેરિંગ તેમજ સાફ-સફાઇ અને ૩ વોટર ડ્રેઇનની સફાઇની કામગીરી કરવામાં આવી હતી.

• ચાલુ વર્ષે ૨૦૨૦માં ૮૬ તળાવો ઊંડા કરવામાં આવ્યાં. ૧૨ ચેકવોલ/ચેકડેમ ડીસિલ્ટિંગની કામગીરી કરવામાં આવી. વિવિધ ૫૫ કામો દ્વારા ૪૮૭ કિમી લંબાઇમાં કેનાલ સફાઇ અને ૮૮ કામો દ્વારા ૨૫૬ કિમી લંબાઇના પ્રાકૃતિક કાંસોની સાફ-સફાઇ, ૪૪ પીવાના પાણીના સ્ત્રોતની સફાઇ, બે ગટર સાફ-સફાઇ, ૮ સ્ટ્રોમવોટર ડ્રેઇનની સાફ-સફાઇ, બે રેઇન વોટર હાવેર્સ્ટિંગ જેવી વિવિધ કામગીરી કરવામાં આવી હતી.