વડોદરા, તા.૨૦

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ફેક એકાઉન્ટ બનાવી રૂપિયા ઉઘરાવવાના અનેક બનાવો બહાર આવ્યા છે ત્યારે તાજેતરમાં જ વિધાનસભાના અધ્યક્ષના નામે અને શહેર પોલીસ કમિશનરના નામે ફેસબુક ઉપર નકલી એકાઉન્ટ બનાવી રૂપિયા ઉઘરાવનારાઓને સાયબર ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી-હરિયાણાથી ઝડપી પાડયા હતા. ત્યારે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેનનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી રૂપિયા ઉઘરાવાતા ડો. હિતેન્દ્ર પટેલે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.

પાલિકાની સ્થાયી સમિતિના નવનિયુક્ત ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા મિત્રએ મને જાણ કરી છે કે મારા ફોટાનો દુરુપયોગ કરી મારા નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવાયું છે અને મારા મિત્રો પાસેથી મદદના નામે મોટી મોટી રકમની માગણી આ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવનાર કરી રહ્યો છે. ગઠિયા દ્વારા મારા મિત્રોને ખાનગી બેન્કોનો એકાઉન્ટ નંબર ઃ ૨૧૧૦૦૦૦૦૭૩૮૩૭૨ ઉપર આઈએફસી કોડ એફએસએફબી ૦૦૦૦૦૧ ઉપર નાણાં માગવામાં આવે છે. આ એકાઉન્ટ ઉપર રજિસ્ટર મોબાઈલ તરીકે બે નંબર નોંધાયેલા છે જેમાં ૯૮૮૭૪૬૨૭૪૧ અને ૮૦૧૦૨૩૪૯૫૬નો સમાવેશ થાય છે. આમ, ફરિયાદમાં ચેરમેને બધી જ માહિતી આપી ફેસબુક સત્તાવાળાઓને જાણકારી આપી નકલી એકાઉન્ટ તાત્કાલિક બંધ કરવા જણાવ્યું છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ અંગે આ એકાઉન્ટ કયા આઈપી એડ્રેસ પરથી બન્યું છે અને બેન્ક ખાતાધારક તેમજ મોબાઈલ કોના નામે રજિસ્ટર છે એ અંગેની તપાસ હાથ ધરી છે.