25, ઓગ્સ્ટ 2025
ઢાંકા |
1683 |
ઢાકામાં યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં માગણી પાક.ના ડે.પીએમ સમક્ષ રજૂ કરી
દક્ષિણ એશિયામાં એકલા પડી ગયેલા પાકિસ્તાનને હવે બાંગ્લાદેશે પણ ઝટકો આપ્યો છે. બાંગ્લાદેશ સાથે મિત્રતા વધારવા માગતા પાકિસ્તાન સામે બાંગ્લાદેશે સ્પષ્ટ કહી દીધું છે કે કોઈ પણ પ્રકારની સમજૂતી પહેલા 1971ના નરસંહાર બદલ પાકિસ્તાને લેખિતમાં માફી માગવી જોઈએ.
બાંગ્લાદેશે પાકિસ્તાનને આ મામલે ઔપચારિક માફી માગવા કહ્યું છે. આ માગણી બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને રવિવારે ઢાકામાં યોજાયેલી એક દ્વિપક્ષીય બેઠકમાં પાકિસ્તાનના ડેપ્યુટી પીએમ અને વિદેશમંત્રી ઈશાક ડાર સમક્ષ રજૂ કરી હતી.
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે બેઠક બાદ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 1971માં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા નરસંહાર માટે ઔપચારિક માફી, સંપત્તિનું વિભાજન, 1970ના ચક્રવાતના પીડિતો માટે આપવામાં આવેલી વિદેશી સહાયનું ટ્રાન્સફર અને ફસાયેલા પાકિસ્તાનીઓને સ્વદેશ પરત મોકલવા જેવા લાંબા સમયથી પડતર ઐતિહાસિક મુદ્દાઓનો ટૂંક સમયમાં ઉકેલ લાવવાની જરૂર છે. આ મુદ્દાના ઉકેલ દ્વારા જ બંને દેશો વચ્ચે મજબૂત સંબંધોની શરૃઆત થઈ શકે છે.