27, ઓગ્સ્ટ 2025
મુંબઈ |
2376 |
વરસાદના કારણે દીવાલોમાં તિરાડ પડતાં ઈમારત ધરાશાયી થયાની શક્યતાં
મુંબઈના પૂર્વ વિરાર વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે એક ચાર માળનીબિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 20 થી 25 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ફાયર વિભાગ દ્વારા બચાવ તેમજ રાહત કામગીરી શરૃ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે મોડી રાત્રે વિરાર પૂર્વમાં રમાબાઈ એપાર્ટમેન્ટનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેમાં 20-25 જેટલા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ઘટના બાદ તરત જ પોલીસ, ફાયર વિભાગ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ની ટીમો એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી માટે પહોંચી ગઈ હતી.
સ્થાનિક રહીશોના કહેવા મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે ચોથા માળે એક વર્ષની બાળકીના જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી, ત્યારે અચાનક રમાબાઈ એપાર્ટમેન્ટનો એક ભાગ તૂટી પડ્યો હતો. બચાવ ટીમો દ્વારા અત્યાર સુધીમાં પાંચ લોકોને બચાવી લીધા છે અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બિલ્ડિંગમાં લગભગ 12 પરિવારો રહેતા હતા.
જોકે, હજુ પણ 20-25 લોકો કાટમાળમાં ફસાયેલા હોંવાની શક્યતાં વ્યક્ત કરાઈ રહી છે. આ બિલ્ડીંગ એટલી જૂની હતી અને વરસાદના કારણે દીવાલમાં તિરાડ પડી ગઈ હતી. અધિકારીઓ દ્વારા સુરક્ષાના ધોરણને ધ્યાને રાખીને બીજી વિંગને પણ ખાલી કરી દેવામાં આવી છે. હાલ આ બિલ્ડીંગને સીલ કરી દેવામાં આવી છે અને લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યાં છે.