27, ઓગ્સ્ટ 2025
મુંબઈ |
2673 |
કેબિનેટ બેઠકમાં શ્રમ વિભાગ દ્વારા પ્રસ્તાવ રજૂ
મહારાષ્ટ્રની ફડણવીસ સરકાર ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના કામના કલાકો 9 કલાકથી વધારીને 10 કલાક કરવા પર વિચારણાં કરી રહી છે. આ માટે મંગળવારે કેબિનેટની બેઠકમાં 'મહારાષ્ટ્ર દુકાન અને સંસ્થા અધિનિયમ, 2017'માં ફેરફાર કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ લાગુ થતાં રાજ્યની દુકાનો, હોટલો અને મનોરંજન સ્થળોના કર્મચારીઓને દરરોજ 10 કલાક કામ કરવું પડે તેવી શક્યતા છે.
અહેવાલ મુજબ કેબિનેટ બેઠકમાં શ્રમ વિભાગે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેમાં 2017ના કાયદામાં પાંચ મોટા ફેરફારો કરવાનું વિચારવામાં આવ્યું છે. આ ફેરફારોમાં કામના કલાકો વધારવાનો મુખ્ય પ્રસ્તાવ છે. જોકે, મંત્રીમંડળે આ પ્રસ્તાવ પર વધુ સ્પષ્ટતા માંગી હોવાથી હાલ પૂરતું આ અંગેનો નિર્ણય ટાળવામાં આવ્યો છે.
શ્રમ અધિનિયમની કલમ 12માં સુધારાનો પ્રસ્તાવ છે કે, કોઈ પણ પુખ્ત કર્મચારીને દરરોજ 10 કલાકથી વધુ કામ કરવાની મંજૂરી નહીં મળે. સાથે જ, એક વખતમાં 6 કલાકથી વધુ કામ કરવા પર અડધા કલાકનો વિરામ આપવો ફરજિયાત રહેશે. હાલમાં, આ મર્યાદા 5 કલાકની છે.