27, ઓગ્સ્ટ 2025
વડોદરા |
3168 |
પાલખીમાં વાજતે ગાજતે શ્રીજીની પ્રતિમાં પેલેસમાં લાવીને દરબાર હોલમાં સ્થાપના
ગણેશજીના ધરેણાં થી શ્રૃંગાર બાદ શાહી પૂજા કરી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી
આજે ગણેશચતુર્થીનો પાવન પર્વ સમગ્ર દેશમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ રાજવી પરિવાર દ્વારા ગણેશજીના શ્રૃંગાર બાદ શાહી પૂજા કરી પેલેસના દરબાર હોલમાં પ્રતિમાં સ્થાપિત કરવામાં આવી હતી.
વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશ ઉત્સવ મનાવવાની પરંપરા વર્ષ ૧૯૩૯થી ચાલી રહી છે. ગણેશોત્સવમાં લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલને આકર્ષક રોશની થી શણગારવામાં આવે છે.છેલ્લાં ૮૫ વર્ષથી ચાલતી પરંપરા મુજબ ગણેશજીની પ્રતિમાનો રંગ, સાઈઝ અને વજન આજે પણ એ જ પદ્ધતિથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. આ મૂર્તિ ખંડેરવા માર્કેટની સામે આવેલા ચૌહાણ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે. આજે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વાજતેગાજતે અને શરણાઈના સૂર સાથે પાલખીમાં બૈસાડીને લઈ જવામાં આવ્યાં હતા.
લક્ષ્મી વિલાસ પેલેસમાં ધામધૂમથી બાપ્પાનું આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્ષોથી લક્ષ્મી વિલાસ પેલેસમાં મૂકવામાં આવતી ગણેશજીની પ્રતિમાની ખાસ વાત એ છે કે આની ઊચાઈ ૩૬ ઇંચ અને વજન ૯૦ કિલો હોય છે, જેથી પાલખીમાં સરળતાથી ગણપતિની પ્રતિમા બેસાડી શકાય. દરબાર હોલ ખાતે ગણેશજીની મૂર્તિને ઘરેણાંથી શણગાર કરવામાં આવ્યો હતો. હીરા-મોતી જડિત આભૂષણ પહેરાવી રાજગુરુ દ્વારા શાહી પૂજા કરવામાં આવી હતી. જેમાં રાજવી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દસ દિવસ સુધી પરંપરા મુજબ શ્રીજીની પૂજા અર્ચના કરાશે તેમજ દસમાં દિવસે પેલેસના પાછળના ભાગે આવેલા કુંડમાં વિસર્જન કરાશે.