વડોદરા, તા.૧૩

વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠકના ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણીના પડઘમ વચ્ચે હુંકાર કર્યો છે કે મારા સિવાય વાઘોડિયા બેઠક પર કોઇ સક્ષમ ઉમેદવાર નથી. બીજાે ઉમેદવાર ક્યાંથી લાવશો? વડોદરા શહેરની બેઠકો પર કોઇપણ ઉમેદવાર જીતી શકે છે, પણ વાઘોડિયાની બેઠક પર તો હું જ સક્ષમ છું, અને મને વિશ્વાસ છે કે ભાજપ મને જ ટિકિટ આપશે.

ગુજરાતમાં ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આમ આદમી પાર્ટી-આપએ તો ઉમેદવારોનું પહેલું લિસ્ટ પણ જાહેર કરી દીધું છે, ત્યારે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં અનેક સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી નાખવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ટિકિટ વિતરણમાં સિટિંગ ધારાસભ્યોમાં અપવાદરૂપ બેઠકોને છોડી મોટાભાગની બેઠકો પર નો-રિપીટ થિયરીની રણનીતિ અપનાવે તેવી શકયતા છે. હાલની વિધાનસભાના તમામ વર્તમાન ધારાસભ્યો દ્વારા તેમની ટિકિટ ન કપાય અને તેઓ નો-રિપીટ થિયરીને લપેટમાં ન આવી જાય તે માટે પુનઃ ટિકિટ મેળવવાના પ્રયાસો શરૂ કરી દેવાયા છે. વર્તમાન ધારાસભ્યો આગામી વિધાનસભા ચૂંટણી સંદર્ભે ટિકિટ મામલે મગનું નામ મરી પાડતા નથી. તમામ વર્તમાન ધારાસભ્યોએ મૌન સેવી રહ્યા છે. વડોદરાના વાઘોડિયાના ભાજપના દબંગ અને આખાબોલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમના નિવેદનોને લઇને હંમેશાં ચર્ચાસ્પદ રહ્યા છે. ફરી એકવાર ચૂંટણી પહેલાં પક્ષની શિસ્તની પરવા કર્યા વિના મધુ શ્રીવાસ્તવે કહ્યું કે વાઘોડિયામાં મારાથી સક્ષમ બીજાે ઉમેદવાર ક્યાંથી લાવશો?

ચૂંટણી લડીશ અને બજરંગબલીના આશીર્વાદથી હું જ જીતીશ. મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે હું ચૂંટણી લડવાનો જ છું અને બજરંગબલીના મારી પર આશીર્વાદ છે અને હું ચૂંટણી જીતવાનો છું. વાઘોડિયા બેઠક પર હું જ ચૂંટણી લડવાનો છું એમાં મને કોઇ શંકા નથી અને ભાજપ મને જ ટિકિટ આપશે. મધુ શ્રીવાસ્તવે ઉમેર્યું હતું કે મારા ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન મેં કદી ભ્રષ્ટાચાર કર્યો નથી, મારી છબિ ચોખ્ખી છે અને મને મતદારો આજે પણ એટલા જ આવકારે છે. પહેલાં હું અપક્ષ તરીકે ચૂંટાઇ આવ્યા બાદ મને ભાજપ દ્વારા બોલાવવામાં આવ્યો હતો, ત્યારથી જ હું ભાજપમાં છું અને હંમેશાં ભાજપને જ વફાદાર રહીશ.