વડોદરા, તા. ૩

કારેલીબાગમાં આવેલા સ્નેહસુધા એપાર્ટમેન્ટમાં રહેતા દવાના વેપારીના ઘરે એલસીબી ઝોન-૪ની ટીમે દરોડો પાડીને વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી. પ્રાથમિક પુછપરછમાં આ દારૂની બોટલો રાજયની બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાકે વિજેતા બનેલો બોડી બિલ્ડર મંગેશ મકવાણા આપી ગયો હોવાની વિગતો મળતા પોલીસે વેપારી મારફત ફોન કરીને દારૂની વધુ બોટલો મંગાવી હતી જેના પગલે મંગેશ તેના બનેવી સાથે વૈભવી કારમાં દારૂની ડિલીવરી આપવા આવતા પોલીસે આ બંનેને પણ ઝડપી પાડી ત્રિપુટી પાસેથી ૧૫.૫૩ લાખથી વધુની મત્તા કબજે

કરી હતી.

હરણી પોલીસની હદમાં આવેલા કારેલીબાગ વીઆઈપીરોડ પર સ્નેહસુધા એપાર્ટમેન્ટમાં રહેતો દવાનો વેપારી સંદીપ ગુણવંતભાઈ શાહ દવાના વેપારના આડમાં વિદેશી દારૂનું વેંચાણ કરતો હોવાની એલસીબી ઝોન-૪ની ટીમને માહિતી મળી હતી. આ માહિતીના પગલે ઝોન-૪ની ટીમે ગત રાત્રે સંદીપના ઘરે દરોડો પાડ્યો હતો જેમાં તેના ઘરેથી વિદેશી દારૂની ૭ બોટલ મળી હતી. પોલીસે તેની પ્રાથમિક પુછપરછ કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેને આ દારૂની બોટલ મંગેશ નામનો યુવક આપી ગયો છે. આ વિગતોના પગલે પોલીસે સંદીપ મારફત ફોન કરાવી દારૂની વધુ બોટલો મંગાવી હતી જેમાં મંગેશે તમે ફ્લેટ નીચે ઉભા રહો હું થોડીવારમાં આવું છું તેમ જણાવ્યું હતું.

આ વાતચિત બાદ પોલીસની ટીમ સંદીપના ફ્લેટ નીચે વોચમાં ગોઠવાઈ હતી અને થોડી જ વારમાં કાળારંગની એમજી હેક્ટર કારમાં આવેલો બોડી બિલ્ડર અને ગુજરાત બોડીબિલ્ડર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા બનેલો મંગેશ અરુણભાઈ મકવાણા (સાંનિધ્ય ટાઉનશીપ,ન્યુવીઆઈપીરોડ) અને તેના બનેવી આકાશ કિશોરભાઈ સોલંકી (સ્વાદ ક્વાટર્સ, હરણીરોડ)ને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. તેઓની કારમાંથી પણ વિદેશી દારૂની વધુ ૧૪ બોટલ મળતા પોલીસે સંદીપ, મંગેશ અને આકાશની અટકાયત કરી હતી અને તેઓની પાસેથી વિદેશી દારૂની ૨૧ બોટલ તેમજ ચાર મોબાઈલ ફોન અને વૈભવી કાર સહિત ૧૫.૫૩ લાખથી વધુની મત્તા કબજે કરી હતી. આ ત્રણેય સામે એલસીબીના પોકો ભીમદેવસિંહે હરણી પોલીસ મથખમાં ફરિયાદ નોંધાવી ત્રણેયને મુદ્દામાલ સાથે હરણી પોલીસને સોંપ્યા હતા.

હરણી પોલીસે પાણીગેટના નામચીન બૂટલેગરને બચાવી લીધો

બોડી બિલ્ડર મંગેશ પાણીગેટના એક નામચીન બુટલેગર સાથે ભાગીદારીમાં દારૂનો ધંધો કરતો હોવાનું કહેવાય છે અને તે ગઈ કાલે પણ પાણીગેટથી દારૂની બોટલો લાવી ડિલીવરી આપવા આવતા ઝડપાયો હતો. જાેકે હરણી પોલીસે મંગેશ અને તેનો બનેવી આકાશે ક્યાંથી દારૂની ૨૧ બોટલો લાવેલા તેની તપાસ કરવામાં રસ નહી દાખવી પાણીગેટના નામચીન બુટલેગરને કેમ બચાવી લીધો તેનું રહસ્ય અકબંધ રહ્યું છે.

મોંઘીદાટ કારમાં ફરતા મંગેશ સામે વ્યાજખોરીનો આક્ષેપ

દારૂની ખેંપ મારતા ઝડપાયેલો બોડી બિલ્ડર મંગેશ મકવાણા આશરે ૧૮ લાખની એમજી હેક્ટર વૈભવી કારમાં ફરતો હોઈ તેના આવકના સ્ત્રોત અંગે પણ સવાલો ઉભા થયા છે. મંગેશ ઝડપાતા એક એવી વાત પણ વહેતી થઈ છે કે મંગેશ પાાણીગેટના માથાભારે યુવક સાથે મળી વ્યાજે નાણાં આપવાનો પણ ધંધો કરે છે અને તેઓની વ્યાજખોરીનો અનેક લોકો ભોગ બન્યા છે. તેણે વાઘોડિયારોડની એક મહિલાને દમદાટી આપીને ગેરકાયદે નાણાં ખંખેર્યા હોઈ આ મહિલાએ પોલીસ ઉચ્ચાધિકારીને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.