વડોદરા, તા.૨૨

ખનીજ ચોરીનું કેન્દ્ર બનેલા નારેશ્વર ખાતે ઓવર રેતી ભરેલી ટ્રકો અને ડમ્પરો કાયમી દોડતા રહે છે. ગઈકાલે ડમ્પરે ત્રણ ને કચડી નાંખ્યા બાદ આજે નારેશ્વર પહોચેલા વસાવા ડમ્પરો અને ખનીજ ચોરી બાબતે કરજણ મામલતદારને જાહેરમાં બેફામ ગાળો આપતા ખળભળાટ મચ્યો હતો. જેના પગલે વડોદરા જિલ્લા મહેસુલી કર્મચારી મંડળે કલેક્ટરને આવેદનપત્ર આપી સંસદસભ્ય સામે પગલાં ભરવાની માંગ કરી છે.

સોમવારે પાલેજ-નારેશ્વર માર્ગ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના પગલે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. તો મંગળવારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલે ઘટના સ્થળની મુલાકાત લેતા મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા. તો બીજી તરફ કરજણના મામલતદાર સહિત પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં કરજણના મામલતદાર સહિતના જવાબદાર અધિકારીઓને સંબોધી જાહેરમાં ગાળો ભાંડી ખખડાવી હાજર અને ભ્રષ્ટ અધિકારીઓની ધૂળ ખંખેરી નાખી હતી, સાથે સાથે લીઝ માફિયાઓને પણ આડે હાથ લીધા હતા. રેત માફીયાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા કહ્યું હતું. માર્ગ પર ઓવરલોડ વાહનોના કારણે માર્ગ બિસ્માર બન્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું. ત્યારે વર્ષોથી ચાલતી આવતી પ્રણાલી અને પોતાની પાર્ટી ભાજપના નેતાઓ અને ખનીજ માફિયાઓ વચ્ચે ઘરોબો હોય છે તેમજ આ સમયે સાંસદે આકરા તેવર અપનાવ્યા છે પણ આ શો બાજી બની રહેશે કે નહીં તે તો આવનાર સમયે ખબર પડશે. પણ હાલ તો ત્રણ નિર્દોષ લોકોના મૃત્યુ બાદ સાંસદે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે તે ચર્ચાનો વિષય બની રહ્યો છે. ગેરકાયદેસર નર્મદા નદી પર પુલિયા બનાવી અને મશીનથી ડ્રેઝિંગ કરી રેતી ખનન કરતાં તત્વો સામે બે દિવસ અગાઉ વાગરા વિધાનસભા ધારાસભ્ય અરુણસિંહ રણાએ પણ જિલ્લા સમહર્તાને આવેદન આપી રજૂઆતો કરી છે.

સાસંદ સામે પગલા નહી ભરાય તો આંદોલનની ચીમકી

જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ નાં પ્રમુખ ભરત પટેલની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને કરજણનાં મામલતદાર એન.કે.પ્રજાપતિ સાથે સત્તાનાં નશામાં ચકચુર બનેલા ભરૂચના સાંસદ મનુસુખ વસાવાએ કરેલા અશોભનીય વર્તનને વખોડી સસ્તી પ્રસિધ્ધી મેળવવા આવું વર્તન કરાયું હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું છે. અને માંગ કરી છેકે સરકાર દ્વારા સંસદ સભ્ય અને પદાધિકારી સામે પગલાં લેવામાં નહિ આવેતો જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ આગામી સમયમાં આંદોલન કરશે એવી ચીમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારી છે.